સેવા સાથે મોજ-મસ્તી અને ખાણી પીણીનો આનંદ એટલે આનંદ મેળો

Tuesday 19th May 2015 13:48 EDT
 

બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે સેવા સાથે મોજ-મસ્તી અને ખાણી પીણીના સમન્વય સમા સૌ કોઇના લોકપ્રિય એવા પાંચમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં સાડી-જ્વેલરી, શણગાર, મહેંદી અથવા ચટપટા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅોની ખરીદી ઉપરાંત પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરે વ્યંજનોની મોજ માણી શકશો. આટલું જ નહિં 'આનંદ મેળા'માં બ્યુટી અને વેડીંગ, ટ્રાવેલ અને ટૂરીઝમ, આરોગ્ય, જ્વેલરી, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો અને પ્રોડક્ટનું વેચાણ કરતા સ્ટોલનો લાભ મળશે અને વ્યાજબી ભાવે આપ વિવિધ સેવાઅો મેળવી શકશો. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦ જેટલા લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.

મનભાવન મનોરંજન

પ્રતિવર્ષ 'આનંદ મેળા'માં બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, ઢોલ પ્લેયર્સ, નૃત્યો, ફેશન શો, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકોના વિશેષ કાર્યક્રમો વિશેષ આકર્ષણ ઉભુ કરે છે. આ વર્ષે આનંદ મેળામાં બ્રિટનના વિખ્યાત રીયાલીટી શો 'ધ વોઇસ'માં ભાગ લઇ સફળતા મેળવનાર ૧૯ વર્ષના યુવાન ગાયક વિકેશ ચાંપાનેરી, વિખ્યાત બોલીવુડ સ્પેશ્યાલીસ્ટ, કોરીયોગ્રાફર અને નૃત્ય કલાકાર હની કલારીયા સંચાલીત ડાન્સ ગૃપ 'હની કલારીયા ડાન્સ એકેડેમી'ના કલાકારો દિલધડક નૃત્યો રજૂ કરશે. તો બીજી તરફ છેલ્લા ૧૬ વર્ષથી નૃત્ય ક્ષેત્રે પોતાના કામણ પાથરનાર વિખ્યાત નૃત્યાંગના મીરા સલાટના ડાન્સ ગૃપ 'મીરા ડાન્સ એકેડેમી'ના કલાકારો પોતાના નૃત્યો રજૂ કરી દર્શકોના મન મોહી લેશે. આ ઉપરાંત અર્ચના કુમાર ડાન્સ એકેડેમીના કલાકારો પોતાના મનમોહક બોલીવુડ નૃત્યો રજૂ કરશે.

લાખો બ્રિટીશ યુવાનોના દિલોદિમાગ પર રાજ કરનાર બ્રિટીશ એશિયન મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝના દમદાર કલાકાર અને ગીનેસ બુક અોફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળવનાર નવિન કુંદ્રા, સુફી બોલીવુડ અને અન્ય ગીત સંગીત ક્ષેત્રે અપાર લોકચાહના મેળવનાર યુવાન કલાકાર કિશન અમીન અને બોલીવુડ, ભાંગરા, ગરબા અને ફ્યુજન મ્યુઝીક ક્ષેત્રે નામના મેળવનાર હેમીના શાહ પોતાના ગીત સંગીતને રજૂ કરી સૌને મુગ્ધ કરી દેશે. આ ઉપરાંત હોલેન્ડ સ્થિત ગાયક કલાકાર તૌકીર ખાન અને મોહમ્મન્દ રફીના ગીતોથી વિખ્યાત થયેલા મુહમ્મદ ફહાદ પોતાના અવાજનો જાદુ પાથરશે. સેન્ટ લ્યુક્સ હોસ્પિસ તરફથી નલિની પટ્ટણી અને એલન વોટ્સ પોતાના સંગીતનો જાદુ પાથરશે. અતિભવ્ય અને ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં આપ જો નહિં આવો તો ખરેખર ઘણું બધું ચૂકી જશો એમાં કોઇ મત નથી.

મુખ્ય પ્રયોજક 'વર્લ્ડરેમીટ'

'વર્લ્ડરેમીટ' વિશ્વની ટોચની કંપની છે જે વિદેશ રહેતા પરિવારજનો તેમજ મિત્રોને અોનલાઇન નાણાં મોકલવામાં મદદરૂપ થાય છે. 'વર્લ્ડરેમીટ' હાઇસ્ટ્રીટ પરના એજન્ટ તેમજ હવાલા કરતા લોકો કરતા અોછી અને વ્યાજબી ફી લે છે. નાણાં મોકલવા માટે ભરોસાપાત્ર 'વર્લ્ડરેમીટ'ની સેવાઅો વિશ્વના ૫૦ કરતા વધારે દેશોમાં મળે છે અને યુરોપ, એશિયા, આફ્રિકા, અમેરિકા અને અોસ્ટ્રેલીયાના કુલ ૧૧૦ કરતા વધારે સ્થળે પૈસા ટ્રાન્સફર કરી આપે છે.

સેન્ટ લ્યુક્સ હોસ્પીસની મીડનાઇટ વોક

આ વર્ષે યોજાનાર 'આનંદ મેલા'ની સહયોગી સખાવતી સંસ્થા સેન્ટ લ્યુક્સ હોસ્પીસ છે. 'આનંદ મેલા'માં પ્રવેશ માટે આપના દ્વારા ખરીદવામાં આવેલી વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ સેન્ટ લ્યુક્સને આપવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.

સેન્ટ લ્યુક્સ દ્વારા 'આનંદ મેલા' પ્રસંગે વિશેષ અોફર રજૂ કરવામાં આવી છે. જે કોઇને મીડનાઇટ ચેરીટી વોકમાં ભાગ લેવો હોય તેઅો માત્ર £20 ભરી મેળામાં પોતાના નામ નોંધાવીને પોતાના વોકર પેક અને ટીશર્ટ મેલામાં આવેલા સેન્ટ લ્યુક્સ હોસ્પીસના સ્ટોલ પરથી મેળવી શકશે અને સ્નેપ ફીટનેસ કેન્ટનનો ૧૦ દિવસનો જીમ પાસ પણ મેળવી શકશે. આ ઉપરાંત શીશુકુંજ અને તા. ૧૩મી જૂનના રોજ યોજાનાર ફંડ રેઇઝિંગ ઇવેન્ટ ૧૦૮ સન સેલ્યુટેશનમાં નામ નોંધાવનાર લોકોને મફત મેડિટેશન સીડી મળશે. વધુ માહિતી માટે જુઅો www.stlukes-hospice.org/salutationst

સેન્ટ લ્યુક્સ દ્વારા યોજાતો સૌથીમોટો ફંડરેઇઝીંગ કાર્યક્રમ મીડનાઇટ વોક છે અને ગયા વર્ષે ૧૫૦૦ મહિલાઅો તેમાં જોડાઇ હતી અને કુલ £૨૧૭,૦૦૦ એકત્ર કર્યા હતા. જેમાં કેટલાક લોકો માત્ર આનંદ માટે જોડાયા હતા પણ વનિતા ભવાની પોતાના મિત્રો અને પરિવારજનોની યાદમાં આ કાર્યક્રમમાં જોડાયા હતા.

વનિતા જણાવે છે કે 'મારા મમ ૨૦૧૩માં સેન્ટ લ્યુક્સમાં જોડાયા હતા. કીડની ફેઇલ્યોરના છેલ્લા તબક્કે રેસ્પાઇટ કેર માટે હોસ્પીસમાં જોડાયેલા મારા મમને સ્ટાફ અને નર્સોએ ખૂબજ સુંદર સહકાર અને મદદ આપી હતી જે તેમના અને પરિવારજનોના કપરા સમયમાં ખૂબજ મદદરૂપ થયા હતા. વનિતાબેન જણાવે છે કે 'હું પ્રથમ ૨૦૧૨માં મિડનાઇટ વોકમાં જોડાઇ હતી અને ૨૦૧૪માં ફરીથી નવા ઉદ્દેશ સાથે જોડાઇ હતી, મિડનાઇટ વોકમાં સાંજે ભરચક મનોરંજન કાર્યક્રમ સાથે વોર્મ અપ કરાવાય છે અને નાસ્તા બાદ કાર્યક્રમની શરૂઆત થાય છે જેનો અંત પણ ત્યાં જ આવે છે.

આવી જ કહાની શ્રી દિનેશ સોરીની છે. ૨૦૦૫માં દિનેશભાઇના પત્ની રેશ્માને સેન્ટ લ્યુક્સના ડે કેર સેન્ટરમાં દાખલ કરાયા હતા. રેશ્માબેનની ડે કેર સેન્ટરમાં સારવાર ઉપરાંત એટલી સંભાળ રાખવામાં આવી હતી કે તેઅો આનંદથી ઝુમી ઉઠ્યા હતા. તેમના દિકરાના લગ્નના સૌએ સાથે મળીને ફોટા પણ જોયા હતા. દિનેશભાઇ જણાવે છે કે હવે મારો સમય આવ્યો છે કઇંક પરત કરવાનો. તેઅો મિડનાઇટ વોકની સ્ટીયરીંગ કમિટીમાં છેલ્લા ૮ વર્ષથી સદસ્ય છે અને તેમને સ્ટાફ તરફથી જે સાથ સહકાર આપવામાં આવે છે તે અવર્ણનીય છે. આ વર્ષે મિડનાઇટ વોક તા. ૨૬મી જૂને યોજાનાર છે. વધુ માહિતી માટે જુઅો www.stlukes-hospice.org/midnightwalk

સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારીથી પીડાતા વડિલોની સારસંભાળ માટે કામ કરતી ચેરીટી સંસ્થા છે અને બીમાર વડિલો તેમની બીમારી સામે લડી શકે અને તેમનું મનોબળ મજબૂત થાય, તેઅો સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરે છે અને છેલ્લે તેઅો પોતાના મનપસંદ સ્થળે ગૌરવપૂર્ણ રીતે મરણ પામે તે માટે મદદ કરે છે. આટલું જ નહિં સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારી ભોગવતા વડિલોના પરિવારજનો અને કેરરને પણ મદદ કરે છે. કોઇ પણ ચાર્જ વગર મફત સેવા આપતી આ સંસ્થાનો ૭૦% ખર્ચો આપણા સમુદાયના લોકો આપે છે. સેન્ટ લ્યુક્સ દ્વારા તેના તમામ સહયોગીઅોને અપીલ કરવામાં આવે છે કે તેઅો 'આનંદ મેલા'માં પધારે ત્યારે સર્વેને જાંબલી રંગના વસ્ત્ર પહેરવા વિનંતી જેનાથી દેખાય કે તેઅો સેન્ટ લ્યુક્સને ટેકો આપે છે. સેન્ટ લ્યુક્સના સ્ટોલની મુલાકાત લેવા સર્વને નમ્ર વિનંતી છે. વધુ માહિતી માટે જુઅો www.stlukes-hospice.org/mela

આનંદ મેળામાં સ્ટોલ બુક કરાવો અને વેપાર-વ્યવસાયનો વિકાસ કરો

જો આપ ઘરે બેઠાં સાડી-જવેલરી, શણગાર, મહેંદી અથવા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅોનો વેપાર કરતા હો તો આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણીની સાથે આપના વેપારની જાહેરાત કરવાની આપની પાસે અમુલ્ય તક છે. સ્ટોલ ખૂબ જ ઝડપથી બુક થઇ રહ્યા હોવાથી આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ સંપર્ક કરવા વિનંતી છે. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4085.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter