લંડનઃ વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહી બ્રિટનમાં ગુરુવાર, ૭ મેના દિવસે નાગરિકો નવી સરકાર રચવા માટે મતદાન કરશે. હાઉસ ઓફ કોમન્સ એટલે કે આમસભામાં કુલ ૬૫૦ બેઠક છે, જેમાં ઈંગ્લેન્ડની ૫૩૩ બેઠક, સ્કોટલેન્ડની ૫૯ બેઠક, વેલ્સની ૪૦ બેઠક અને નોર્ધર્ન આયર્લેન્ડની ૧૮ બેઠકનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ડેવિડ કેમરન અને લેબર પાર્ટીના એડ મિલિબેન્ડ વડા પ્રધાનપદના મુખ્ય દાવેદાર છે. ચૂંટણીપ્રચાર આખરી તબક્કામાં છે અને બન્ને મુખ્ય રાજકીય પક્ષો ઓપિનિયન પોલ્સમાં એકબીજાની લગોલગ ચાલી રહ્યાં છે અને વિજયના દાવા કરી રહ્યા છે. આ ચૂંટણીમાં સ્વાસ્થ્ય, અર્થતંત્ર, શિક્ષણ, ઈમિગ્રેશન-એસાઈલમ, ટેક્સેશન અને બેનિફિટ્સના મુદ્દાઓ ગાજ્યા છે.
બે મુખ્ય પક્ષમાંથી કોઈને બહુમતી ન મળે તેવી પરિસ્થિતિમાં અન્ય રાજકીય નેતાઓ નિક ક્લેગ (લિબરલ ડેમોક્રેટ્સ), નાઈજેલ ફરાજ (Ukip) અને નિકોલા સ્ટર્જન (SNP) સાથે ગઠબંધનની શક્યતા રહે છે. ૨૦૧૦માં કન્ઝર્વેટિવ અને લિબરલ ડેમોક્રેટ્સની ગઠબંધન સરકાર રચાઈ હતી. સ્કોટલેન્ડમાં સ્કોટિશ નેશનલ પાર્ટીનું પ્રભુત્વ વધવાના કારણે લેબર પાર્ટીને સહન કરવું પડે તેવી સ્થિતિ છે. આ ચૂંટણીમાં ઈમિગ્રન્ટ્સની પણ બોલબાલા રહેશે. વંશીય લઘુમતી વર્ગના મતદારોમાં ભારતીય (૬.૧૫ લાખ), પાકિસ્તાની (૪.૩૧ લાખ), આફ્રિકન્સ (૩.૫૦ લાખ) અને બાંગલાદેશી (૧.૮૩ લાખ)નો સમાવેશ થાય છે. ગત ૨૦૧૦ની ચૂંટણીમાં ભારતીયોએ કન્ઝર્વેટિવ પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું હતુ.
ભારતીય-ઓસ્ટ્રેલિયન ઈમિગ્રન્ટ્સને પ્રાથમિકતા આપોઃ ફરાજ
યુકે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી (Ukip)ના નેતા નાઈજેલ ફરાજે ઈમિગ્રન્ટ્સનો વિરોધ હળવો કર્યો હોવાનું જણાય છે. તેમણે ચૂંટણીમાં પોતાનો આધાર વધારવા વલણ બદલી નાખતા જણાવ્યું છે કે દેશમાં પૂર્વ યુરોપના ઈમિગ્રન્ટ્સના બદલે ભારત અને ઓસ્ટ્રેલિયાથી આવનારાને પ્રાથમિકતા મળવી જોઇએ. અગાઉ, તેમણે કહ્યું હતું કે સરકાર ભારતથી આવનારાને પ્રાથમિકતા આપે છે. અપ્રવાસીઓ સાથે સમાન વ્યવહાર થવો જોઇએ. ફરાજે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મારી પ્રાથમિકતા બદલાઇ હોવાનું હું કબૂલ કરું છું. હું માનું છું કે ભારત અને ઓસ્ટ્રેલિયાથી આવનારા લગભગ અમારા જેવી અંગ્રેજી બોલે છે, સમાન પ્રકારના કાયદા સમજે છે. આ દેશોનો અમારી સાથે જૂનો સંબંધ રહ્યો છે, જ્યારે યુરોપના કેટલાક દેશ જુનવાણી માનસમાંથી બહાર નીકળી શક્યા નથી. ફરાજે કહ્યું હતું કે તેમની પાર્ટી સામાન્ય ચૂંટણીમાં નો નેગેટિવ કેમ્પેઈન ચલાવશે. અમે કોઈ નકારાત્મક તર્ક આપીશું નહિ. પછી મુદ્દા ઈમિગ્રેશન, પ્રાથમિક શિક્ષણ કે સ્વાસ્થ્ય સેવા સાથે સંબંધિત હોય. તાજા સર્વે મુજબ યુકેઆઇપી ત્રીજા નંબરે જતી રહ્યા પછી ફરાજનું વલણ બદલાયું છે.
ટોરી પાર્ટીને શાહી બાળકના જન્મથી લાભની આશા
શાહી સંતાનના જન્મથી ‘ફીલ ગુડ’ પરિબળનો ફાયદો મળવાની આશા કન્ઝર્વેટિવ પાર્ટી ધરાવે છે. પ્રિન્સ અથવા પ્રિન્સેસનો જન્મ ચૂંટણીના દિવસની નજીક જ થાય તેવી આશા તેઓ રાખે છે. સામાન્ય રીતે મહત્ત્વની રમતસ્પર્ધામાં રાષ્ટ્રીય ટીમના વિજય સહિતની ઉત્સાહવર્ધક ઘટનાઓ શાસક પાર્ટીને લાભ અપાવતી હોવાનું મનાય છે. વ્હાઈટ હોલના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર ડચેસ ઓફ કેમ્બ્રિજ ૨૩ એપ્રિલે સંતાનને જન્મ આપશે તેમ મનાતું હતું, પરંતુ દિવસો લંબાઈ ગયા છે. જો બાળકનો જન્મ ચૂંટણીની આસપાસ થાય તો લેબર પાર્ટી કરતા ટોરી પાર્ટીને ‘બેબી બાઉન્સ’નો લાભ મળે તેવી શક્યતા છે.
લેબર પાર્ટી પ્રથમ ઘર ખરીદનારાને સ્ટેમ્પ ડ્યૂટીમાંથી માફી આપશે
એડ મિલિબેન્ડે હાઉસ લેડર પર આગળ વધવા ઈચ્છતાં લોકોને આકર્ષવા £૩૦૦,૦૦૦ સુધીની પ્રોપર્ટી પર સેલ્સ ટેક્સ માફ કરવાનું વચન આપ્યું છે. તેમણે પ્રથમ વખત ઘર ખરીદનારાને આગામી ત્રણ વર્ષ સુધી £૫,૦૦૦ સુધીની સ્ટેમ્પ ડ્યૂટી માફ કરવાની ઓફર કરી હાઉસિંગ ક્ષેત્રમાં આક્રમક રાજકીય પ્રચાર આરંભ્યો છે. નવા બંધાયેલા મકાનોમાં નજીકના વિસ્તારોમાં રહેતાં લોકોને પ્રાથમિકતા અપાશે. તેમણે કહ્યું હતું કે બ્રિટિશરો માટે ઘરની માલિકી મોટું સ્વપ્ન છે. જોકે, યુવાનો માટે આ સ્વપ્ન વેરવિકેર થઈ ગયું છે. લોકો ઘર ખરીદવા ઈચ્છે છે પણ તેમને ભાડે રહેવાની ફરજ પડે છે. સ્થાનિક લોકોને જોવા મળે તે પહેલા જ નવી પ્રોપર્ટીઝ હાથમાંથી જતી રહે છે. સ્ટેમ્પ ડ્યૂટીમાં માફીથી પ્રથમ વખત ઘર ખરીદનારા ૧૦માંથી નવ લોકોને ફાયદો થશે. જોકે ઓછામાં ઓછાં ત્રણ વર્ષ માટે માફીની ઓફરથી £૬૭૫ મિલિયનનું ભંડોળ ખર્ચાશે. મિલિબેન્ડે કહ્યું છે કે લુચ્ચા મકાનમાલિકો અને વિદેશી રોકાણકારો પર ભારે ટેક્સ લાદીને આ રકમ મેળવી લેવાશે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ખાનગી ક્ષેત્રમાં ભાડાં પર મર્યાદા લાદવાનું લેબર પાર્ટીનું વચન ભાડૂતોને ખરાબ સ્થિતિમાં લાવી મૂકશે અને મકાનનિર્માણ પર અવળી અસર સર્જશે.
બિઝનેસ માટે લેબર સરકાર અયોગ્યઃ ગોલ્ડમેન સેક્સની ચેતવણી
યુએસ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સેક્સ દ્વારા ચેતવણી અપાઈ છે કે આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય અને ખાસ કરીને સ્કોટિશ નેશનલ પાર્ટી સાથેનું જોડાણ દેશના બિઝનેસ માટે અયોગ્ય રહેશે તેમજ અર્થતંત્ર અને નાણાકીય બજારોમાં વિશ્વાસને નુકસાન કરશે. બિઝનેસ અગ્રણીઓ ભાવિ આર્થિક કટોકટીઓનો સામનો કરવામાં લેબર સરકારની ક્ષમતા અંગે ખાસ શંકાશીલ છે. કન્ઝર્વેટિવ પાર્ટીનો વિજય માર્કેટ અને બિઝનેસ સેન્ટિમેન્ટને ટેકારૂપ બની રહે તેમ પણ બેન્કે જણાવ્યું છે.
બેન્કે જણાવ્યું છે કે બિઝનેસ કોમ્યુનિટી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ડેવિડ કેમરનના વિજયની સરખામણીએ એડ મિલિબેન્ડના પક્ષના વિજયને વધુ સમસ્યાજનક માનશે. બેન્ક દ્વારા ક્લાયન્ટ્સને રિસર્ચ નોટ મોકલાઈ છે, જેમાં આગામી ચૂંટણી પછી લેબર અને સ્કોટિશ નેશનલ પાર્ટી વચ્ચે સોદાને સરકાર રચવા સૌથી ખરાબ સંયોજન ગણાવાયો છે. SNP લેબર સરકારને વધુ ડાબેરી નીતિઓ તરફ ખેંચશે તેમજ યુકેના જોખમે અને હિસાબે સ્કોટલેન્ડને લાભ કરાવતી વહેંચણીની નીતિઓનો ભય ઉભો કરી શકે છે. બેન્કે ૨૦૧૭ સુધી એનર્જી પ્રાઈસ સ્થગિત રાખવાના લેબર પાર્ટીના વચનને બિઝનેસ કોમ્યુનિટી શંકાની નજરે નિહાળે તેવું ક્ષેત્ર ગણાવ્યું છે. લેબર પાર્ટીની કોર્પોરેશન ટેક્સમાં રાહતો પાછી ખેંચવી, બેન્ક લેવી વધારવી અને બેન્કોના વિભાજનની યોજનાથી મોટા શેરહોલ્ડરોએ બ્રિટનની કેટલીક મોટી બેન્કોને લંડન છોડવા માગણી કરી છે. મેન્શન ટેક્સ દાખલ કરવાની યોજના પણ બેન્કો માટે નુકસાનકારક બની રહેશે.
એડ અને બોરિસનું ટેલિવિઝન યુદ્ધ શ્રેષ્ઠ
લેબર નેતા એડ મિલિબેન્ડ અને ટોરી મેયર બોરિસ જ્હોનસન વચ્ચેની ટેલિવિઝન ચર્ચાને વર્તમાન સમગ્ર ચૂંટણીપ્રચારમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અથડામણ માત્ર અઢી મિનિટ ચાલી હોવાં છતાં રાજકીય દૃષ્ટિએ મહત્ત્વની હતી. બોરિસ ચર્ચા દરમિયાન તેમના વાળને વારંવાર સીધા કરતા હતા, જેકેટના બટનો ખોલબંધ કરતા હતા, જ્યારે એડ તદ્દન સ્વસ્થ હતા. લેબર પાર્ટી જે પાંચ વર્ષમાં કરી ન શકી તે બોરિસે ૬૦ સેકન્ડમાં કરી બતાવ્યું હતું. લેબરના નોન-ડોમ સ્ટેટસ રદ કરવાની યોજના વિશે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. એડે બોરિસને બરાબર ભીડાવ્યા હતા. બોરિસે ધનાઢ્યોની તરફેણ કરતા કહ્યું હતું કે તેઓ સફળ અર્થતંત્રને સુસંગત ઘણો ટેક્સ ચુકવે છે.
મારી શાંતિને ઉત્સાહનો અભાવ ન સમજશોઃ ડેવિડ
કન્ઝર્વેટિવ પાર્ટીના નકારાત્મક પ્રચારથી મતદારો વિમુખ થઈ રહ્યાં હોવાના કાર્યકરોના અસંતોષ વચ્ચે ફરી સત્તાસ્થાન ઝંખતા વડા પ્રધાન ડેવિડ કેમરને ઝનૂની ચૂંટણીપ્રચારનો બચાવ કર્યો છે. લેબર પાર્ટી અને એસએનપી વચ્ચેનું ઝેરી જોડાણ દેશના અર્થતંત્રને હાનિ પહોંચાડશે અને પાછાં એ જ સ્થાને લાવી મૂકશે તેવી ચેતવણી બદલ તેઓ માફી માગશે નહિ તેમ કેમરને જણાવ્યું હતું. કેમરન વિજય માટે આતુર નહિ હોવાના કન્ઝર્વેટિવ પાર્ટીના દાતાઓના આક્ષેપો સામે તેમણે કહ્યું હતું કે તેમનામાં ઉત્સાહનો જરા પણ અભાવ નથી. તેમણે સોમરસેટમાં કાર્યકરો સમક્ષ જણાવ્યું હતું કે આપણે કન્ઝર્વેટિવ છીએ. આપણે બૂમબરાડા પાડતા નથી, પરંતુ તે ઉત્સાહનો અભાવ નથી. આપણે મહાન દેશમાં પરિવર્તન લાવી રહ્યાં છીએ અને તેને વધુ મહાન બનાવીશું. તેમણે કહ્યું હતું કે જો લોકો મને એમ કહેતા હોય કે આપણે મજબૂત અને સ્થિર અર્થતંત્ર અને ભાવિ સુરક્ષિત બનાવવા પર વધુ ભાર મૂકી રહ્યા છીએ, તો હું ખરેખર દોષી છું. કેમરન તેમના પ્રચારને વધુ અર્થતંત્રલક્ષી બનાવી રહ્યા છે. તેમના બિઝનેસ મેનિફેસ્ટોમાં સ્વરોજગારી લોકોને માતૃત્વ વેતન, પેન્શન્સ અને મોર્ગેજ સહિતના મુદ્દાઓ સમાવાયા છે. વડા પ્રધાને ઉદ્યોગસાહસિકો અને સ્વરોજગાર ધરાવતા લોકો માટે મદદની નવી ઓફર પણ મૂકી છે. બીજી તરફ, પક્ષમાં ઘણા લોકો માને છે કે પ્રચારના કેન્દ્રમાં બોરિસ જ્હોન્સનનો મોડો સમાવેશ કરાયો છે છતાં તેનો લાભ મળશે. લંડનના મેયરે તેમણે કેમરનનું સ્થાન સંભાળી લેવું જોઈએ તેવા સૂચનો ફગાવી દીધા છે.
બ્રિટનનું ભાવિ ઉજ્જવળઃ સર જ્હોન મેજર
પૂર્વ કન્ઝર્વેટિવ વડા પ્રધાન સર જ્હોન મેજર લાંબા સમય પછી ચૂંટણીપ્રચારના મેદાનમાં આવ્યા છે. તેમણે લેબર અને સ્કોટિશ નેશનલ પાર્ટીના જોડાણના જોખમો સમજાવ્યા છે. તેમણે કહ્યું હતું કે બ્રિટનનું ભાવિ ઉજ્જવળ છે અને દેશ સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યો છે. તેમણે પોતાની વિશિષ્ટ શૈલીમાં ઉદાહરણ આપતા કહ્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ ચોક્કસ પેકેજ હોલિડે કંપની માટે બુકિંગ ૩૦ ટકા વધી ગયું છે. સરકારની આર્થિક નીતિઓથી આખરે તો લોકોને જ નક્કર લાભ થયો છે. વેસ્ટ મિડલેન્ડ્સની સ્પોર્ટ્સ ક્લબમાં પ્રવચન આપતા સર મેજરે કહ્યું હતું કે રાજકારણ લોકો વિશે છે, આંકડાશાસ્ત્ર નથી. અર્થતંત્રમાં ત્રણ ટકાની વૃદ્ધિથી લોકોને ખાસ ફરક નહિ પડે સિવાય કે તેમના જીવનધોરણમાં સુધારો થાય, તમારી નોકરીમાં સુધારો થાય કે બાળકોને નોકરી મળે. આપણે લોકો પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
વકીલો પણ ચૂંટણીપ્રચારમાં જોડાયા
વર્તમાન ચૂંટણીપ્રચારમાં ન્યાય મળવાની સુવિધા અને અન્ય કાનૂની મુદ્દાઓની ચર્ચા જોવા મળી નહિ હોય, પરંતુ મોટી સંખ્યામાં વકીલો અવશ્ય જોવા મળ્યા છે. ગત પાર્લામેન્ટના ૬૫૦ સાંસદોમાંથી ૮૮ સાંસદ વકીલ હતા. કન્ઝર્વેટિવ પાર્ટીના ૫૧, લેબર પાર્ટીના ૨૮, લિબરલ ડેમોક્રેટ્સના પાંચ તેમજ પ્લેઈડ સાયમરુ, સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી અને યુકેઆઈપીના એક-એક સાંસદ વકીલ હતા. બે મુખ્ય રાજકીય પક્ષના નેતા- નિક ક્લેગના પત્ની મરિયમ ગોનાલેઝ અને એડ મિલિબેન્ડના પત્ની જસ્ટિન થોર્નટન પણ વકીલ છે. લેબર પાર્ટીના બે ઉમરાવ લોર્ડ ગોલ્ડસ્મિથ અને લોર્ડ ગ્રેબિનેર, લિબરલ ડેમોક્રેટ્સના લોર્ડ મેકડોનાલ્ડ, કન્ઝર્વેટિવ લોર્ડ ગોલ્ડ, લેબર પાર્ટીના ચુકા ઉમન્ના પ્રખ્યાત ધારાશાસ્ત્રી છે.