લંડનઃ દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમને ભૂતપૂર્વ પત્ની સાથેનો ઝઘડો ભારે પડી ગયો છે. હાઈ કોર્ટે તેમના ભૂતપુર્વ પત્ની અને બે બાળકો સાથે અટકાયતની લડાઈને ઉકેલવા માટે રૂપિયા ૫૫૫૦ કરોડ (આશરે ૫૫૪ મિલિયન પાઉન્ડ) આપવા આદેશ કર્યો છે. બ્રિટનની હાઈ કોર્ટે શેખને આદેશ આપતા કહ્યું કે તેમણે આ રકમ ડિવોર્સ સેટલમેન્ટ અને બાળકોની સુરક્ષિત ભવિષ્ય માટે ચુકવવાની રહેશે. બ્રિટનના ઈતિહાસમાં આ સૌથી મોંઘા તલ્લાક પૈકીના એક તલ્લાક છે. રાજકુમારી હયા જોર્ડનના ભૂતપુર્વ રાજા હુસૈનની દીકરી છે.
કિંગ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મક્તુમ
હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ ફિલિપ મૂરે તેમના ચુકાદામાં કહ્યું હતું કે રાજકુમારી હયા અને તેમના બાળકોને આતંકવાદ અથવા તો અપહરણ જેવા જોખમોનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા થવી જોઈએ. બ્રિટનમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂર છે.
રાજકુમારીને મળશે રૂ. ૨૫૦૦ કરોડ
ઇંગ્લેન્ડના વકીલોના જણાવ્યા પ્રમાણે શેખ ૫૫૪ મિલિયન પાઉન્ડની રકમની ચુકવણી કરશે. આ રકમ પૈકી ૨૫૧.૧ મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા ૨૫૦૦ કરોડ) રાજકુમારી હયાને એક સાથે આપવામાં આવશે. આ સાથે જ તેમના બન્ને બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે ૨૯૦ મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા ૨૯૦૦ કરોડ) સિક્યોરિટી સ્વરૂપમાં બેન્કમાં રાખવામાં આવશે. આ ઉપરાંત બાળકો મોટા થાય ત્યારે પ્રત્યેક વર્ષે ૧૧.૨ મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા ૧૧૨ કરોડ) ની રકમ આપવાની રહેશે. રાજકુમારી હયાએ આ સેટલમેન્ટ માટે ૧.૪ બિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા ૧૪,૦૦૦ કરોડ) માગ્યા હતા.
રાજકુમારી હયા શેખ મોહમ્મદની છઠ્ઠી પત્ની છે. તેમણે ઓક્સફર્ડથી રાજનીતિ, દર્શનશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રમાં અભ્યાસ કર્યો છે. ૨૦૦૪માં દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ સાથે નિકાહ કર્યા, પણ વર્ષ ૨૦૧૯માં અચાનક જ દુબઈ છોડી ઈંગ્લેન્ડ જતી રહી. આ માટે તેણે જીવનું જોખમ હોવાનું કારણ આપ્યું હતું.