લંડનઃ કોરોના વાઈરસ મહામારીના પરિણામે ૨૦ માર્ચથી છ મહિના સુધી બંધ રખાયેલી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શાળાઓ ૧ સપ્ટેમ્બરના નવા સત્રથી શરૂ થવા સાથે લાખો વિદ્યાર્થીઓ શાળાના વર્ગમાં પહોંચ્યા છે. અનેક શાળાના શિક્ષકોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઇ) વિના જ શાળાએ જવા બાબતે ગભરાટ વ્યક્ત કર્યો હતો. પેરન્ટ્સે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ વિના જ શાળાના પ્રવેશદ્વારોએ લાઈન લગાવવી પડી હતી.
એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે લોકડાઉન પછી વિદ્યાર્થીઓ અભ્યાસમાં ત્રણ મહિના પાછળ રહી ગયા છે તેમજ છોકરાઓ અને ગરીબ વિદ્યાર્થીઓને સૌથી વધુ સહન કરવું પડ્યું છે.
દેશને સામાન્ય પરિસ્થિતિ તરફ લઈ જવાના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના અભિયાન સાથે ઈંગ્લેન્ડમાં મેગળવાર ૧ સપ્ટેમ્બરે ૪૦ ટકા શાળાઓ ખુલી ગઈ છે અને બાકીની શાળાઓ ટુંક સમયમાં કાર્યરત થઈ જશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે એ-લેવલ પરિણામોમાં ભારે અરાજકતા પછી આગામી વર્ષે પરીક્ષાઓ મોડી લેવાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે. બાળકોને શાળાએ મોકલવામાં ન આવે તો પેરન્ટ્સે દંડ ભરવાની તૈયારી પણ રાખવી પડશે.
શાળાઓએ ખાસ સાવધાની રાખવી પડશે
લાંબા વિરામ પછી વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે પાછા ફર્યા છે પરંતુ, શાળાઓએ ખાસ સાવધાની રાખવી પડશે. શારીરિક સંપર્ક થાય તેવી રમતો ટાળવાની રહેશે. બાળકોને તેમની વયજૂથના બબલ્સમાં રાખવાના થશે અને જો કોઈ બે બાળકો પણ બીમાર પડે તો તમામ લોકોએ ઘેર જવાની તૈયારી રાખવી પડશે. યુકેના ચીફ મેડિકલ ઓફિસર્સ બાળકો શાળાએ જાય તેમાં સલામતી હોવા બાબતે સંમત છે પરંતુ, હેડટીચર્સે રોગચાળો ફાટી ન નીકળે તે માટે સાવચેતીના પગલાં તો ભરવા જ પડશે.
• બાળકોને શાળામાં ચોક્કસ નાના જૂથમાં સમાવાશે પરંતુ, જૂથમાં કેટલા બાળકો હશે તેની કોઈ સ્પષ્ટતા નથી.
• બાળકોના બબલ માટે અલગ ટોઈલેટ્સ હશે અને સોશિયલ એરિયા હશે.
• બાળકો સહિત તમામે તેમના હાથ નિયમિત ધોવાનાં હશે તેમજ છીંક અને ખાંસી માટે ટિસ્યુ પેપર્સનો ઉપયોગ ફરજિયાત રહેશે.
• એક કરતા વધુ જૂથને સામૂહિક પ્રાર્થના કે સભામાં રાખવામાં નહિ આવે.
• વિદ્યાર્થીએ યુનિફોર્મ પહેરવાનો રહેશે પરંતુ, લંચ બોક્સ, પુસ્તકો, સ્ટેશનરી અને મોબાઈલ ફોન્સ જેવી ખાસ જરુરી ચીજવસ્તુ લાવવા જણાવાયું છે.
• બ્રેકફાસ્ટ તેમજ મ્યુઝિક લેશન્સ સહિત શાળા પછીની ક્લબોની પ્રવૃત્તિ સામાન્યપણે ચાલુ રાખવામાં આવશે પરંતુ, યુકે અથવા વિદેશમાં શાળાકીય પ્રવાસને પ્રોત્સાહન
નહિ અપાય.
• જો શાળામાં ૧૪ દિવસમાં બે કે વધુ કન્ફર્મ કેસ જણાય અથવા બીમારીની રજામાં વધારો જણાય તો તેને રોગચાળા તરીકે ગણવામાં આવશે. આના કારણે સંબંધિત ધોરણ અથવા સમગ્ર શાળાને ઘેર મોકલવાની ફરજ પડી શકે છે.
સેકન્ડરીના વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત
સરકારે વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવા બાબતે પણ નાટ્યાત્મક પીછેહઠ કરી છે. એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસને છેલ્લી ઘડીએ WHOની સલાહને અનુસરી ચહેરા પરના આવરણ-માસ્ક લગાવવાને ફરજિયાત ગણાવ્યું છે. જોકે, ક્લાસરુમ્સમાં માસ્ક પહેરવાની જરુર નથી કારણકે તેનાથી અભ્યાસમાં અવરોધ સર્જાઈ શકે છે. મોટા ભાગની શાળાઓમાં માસ્ક પહેરવા કે નહિ તેનો નિર્ણય હેડટીચર્સ પર છોડી દેવાયો હતો. હોટસ્પોટ વિસ્તારોમાં સ્ટાફ અને સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ કોરિડોર્સ કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું મુશ્કેલ હોય ત્યાં માસ્ક પહેરવા આવશ્યક છે.
આગામી વર્ષે પરીક્ષાઓમાં વિલંબ?
આ વર્ષે પરિણામોમાં ગરબડોના કારણે ફેલાયેલી અરાજકતાનું પુનરાવર્તન ન થાય તે માટે ઓફક્વોલ (Ofqual) આગામી વર્ષે પરીક્ષાઓમાં થોડો વિલંબ કરવા વિચારી રહેલ હોવાનો એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસને સ્પષ્ટ સંકેત આપ્યો છે. રાજકારણીઓ અને યુનિયનો દ્વારા જોરદાર માગણીના કારણોસર ૨૦૨૧માં લેવાનારી GCSEs અને એ-લેવલની પરીક્ષાઓ મોડી લેવાય તેવી શક્યતા છે. લેબર પાર્ટીના એજ્યુકેશન પ્રવક્તા કેટ ગ્રીને ચેતવણી આપી હતી કે બાળકોએ મહિનાઓ સુધી શિક્ષણ ગુમાવ્યું હોવાથી તેમના માટે પરીક્ષાઓ આપવી મુશ્કેલ બની રહેશે. મે ૨૦૨૧માં લેવાનારી પરીક્ષાઓ જુલાઈ મહિના સુધી મોડી કરવી જોઈએ. આનો નિર્ણય છેલ્લી ઘડી સુધી ટાળવો ન જોઈએ. યુનિયનો, શિક્ષકો સહિતની અપીલોને ધ્યાનમાં રાખતા વિલિયમસને જણાવ્યું હતું કે આગામી વર્ષની પરીક્ષાઓ મુદ્દે ચિંતા છે અને આથી, આગામી વર્ષે GCSEs અને એ-લેવલની પરીક્ષાઓ બાબતે બાળકોને શિક્ષણનો વધુ સમય મળી રહે તેમાં શું મદદ થઈ શકે તેની ચર્ચા ઓફક્વોલ સાથે ચાલી રહી છે. પરીક્ષાઓમાં વિલંબ થાય તેના પરિણામે યુનિવર્સિટીઓ અને કોલેજો સહિત ઉચ્ચ શિક્ષણ પ્રોવાઈડર્સ અને એમ્પ્લોયર્સ માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.
કોવિડથી કોઈ તંદુરસ્ત બાળકના મોત નહિ
શાળાઓ ખોલવી કે નહિ તેની ચર્ચાઓ વચ્ચે વિજ્ઞાનીઓએ કહ્યું છે કે બ્રિટનમાં કોવિડ-૧૯થી કોઈ તંદુરસ્ત બાળકના મોત થયાં નથી. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ યુનિવર્સિટી ઓફ લિવરપૂલના સંશોધકોના અભ્યાસ મુજબ હોસ્પિટલોમાં ૨૭ ટકા પુખ્ત લોકોની સરખામણીએ એક ટકા બાળકોનું જ મોત થયું છે. આનો અર્થ એ થાય કે કોવિડ-૧૯થી હોસ્પિટલમાં દાખલ ચાર વયસ્કોમાંથી એક જ્યારે ૧૦૦ બાળકમાંથી એકનું મૃત્યુ થયું હતું.
જે બાળકો કોરોના રોગ લાગ્યો તેના પહેલાથી બીમાર હતાં તેમને જ જોખમ વધુ હતું. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં મહામારી પછી ૧૫થી ઓછી વયના છ બાળકોનાં કોરોના વાઈરસથી મોત થયાં છે પરંતુ, તેમને ચેપ લાગ્યો ત્યારે તેઓ કેન્સર અથવા સેરેબ્રલ પાલ્સી જેવી ગંભીર બીમારીથી પીડાતાં હતાં. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર ૧૫-૧૯ વયજૂથના ૯ બાળકનાં મોત થયા હતા જેની સામે ઓગસ્ટ ૧૪ સુધી અન્ય વયજૂથના મૃતકોની સંખ્યા ૫૨,૦૮૨ની હતી.