લંડન: ભારતીય વિદ્યાર્થીઓને સ્કોટિશ યુનિવર્સિટીઓમાં આકર્ષવા માટે અભ્યાસ પછી સ્કોટલેન્ડમાં જ બે વર્ષ માટે વર્ક વિઝા આપવા વિચારી રહ્યું છે. સ્કોટલેન્ડના યુરોપ અને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર હમ્ઝા યુસુફે જણાવ્યા અનુસાર ‘ફ્રેશ ટેલેન્ટ વર્કિંગ ઈન સ્કોટલેન્ડ સ્કીમ’ તરીકે આળખાનાર વિઝા ટુંક સમયમાં શરુ કરાશે. આ સંદર્ભે લેબર પાર્ટીના વાઈસ ચેરમેન અને સાંસદ કિથ વાઝે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ માટે આવવા દેવા જોઈએ.
કિથ વાઝે જણાવ્યું હતું કે,‘અત્યારે આપણે ભારતીય વિદ્યાર્થીઓમાં અભૂતપૂર્વ ઘટાડો જોઈ રહ્યા છીએ, જે આપણી શૈક્ષણિક સંસ્થાઓ, આપણા અર્થતંત્ર અને ખુદ વિદ્યાર્થીઓ માટે ગંભીર સમસ્યારુપ છે કારણકે તેમને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા મળતો નથી. બે દેશો વચ્ચે સંબંધો બાંધવાનો શ્રેષ્ઠ માર્ગ યુવા ભારતીય વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ માટે આવવા દેવાનો છે. તેઓ અહીં આવે અને લંડન, લેસ્ટર અને લિવરપૂલમાં અભ્યાસ કરે તેમ હું ઈચ્છુ છું.’ અગાઉ પણ, હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેને કહ્યું હતું કે સ્ટુડન્ટ વિઝા પરની કોઈ મર્યાદા અનાવશ્યક અને અનિચ્છનીય છે.
દરમિયાન, નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ યુનિયન યુકેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ આંતરરાષ્ટ્રીય અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે તેની વિઝા પોલિસીની સમીક્ષા કરવા યુકે સરકારને ફરીથી પિટિશન કરશે. તેઓ બ્રિટનને બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ પછી કેટલાંક વર્ષ વર્ક વિઝા આપતી પોસ્ટ સ્ટડી વર્ક સ્કીમના દ્વાર ખુલ્લાં રાખતા દેશ તરીકે રહેવા દેવાનો અનુરોધ કરે છે. બ્રિટિશ સરકારે એપ્રિલ ૨૦૧૨માં પોસ્ટ સ્ટડી વર્ક વિઝા નાબૂદ કર્યા હતા. આના પરિણામે, બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો હતો.
સ્કોટલેન્ડના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ પ્રધાન હમ્ઝા યુસુફે કહ્યું હતું કે સ્કોટલેન્ડને અભ્યાસ માટે આવતા ભારતના હોંશિયાર વિદ્યાર્થીઓની જરૂર છે. તેઓ અહીં વિશ્વની ૧૯ વર્લ્ડક્લાસ યુનિવર્સિટીમાં રહીને અભ્યાસ કરી શકે છે અને પછી અમારી ઈકોનોમીને મદદ કરવા અહીં રહીને કામ કરી શકે છે. સ્કોટલેન્ડની વસતીમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે, આથી કુશળ કર્મચારીઓની અછત સર્જાઈ છે. અમારે આ ખાલી જગ્યાઓ પૂરવા ભારતના કુશળ અને હોંશિયાર ઇમિગ્રન્ટ્સ, એન્જિનિયર્સ, ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રમાં નિષ્ણાતો તેમજ હેલ્થકેર તબીબોની જરૂર છે.
તાજેતરની ચૂંટણીમાં ભારે બહુમતી મેળવી ચૂકેલી સ્કોટિશ નેશનલ પાર્ટી આપેલાં વચનો પૂરાં કરવા પ્રતિબદ્ધ છે તેથી તે આ નિયમોમાં સુધારા કરીને ટિયર-૧ વર્ક વિઝા ફરી દાખલ કરશે. બ્રિટિશ સરકારે આવા વિઝા આપવાનું રદ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે બ્રિટનની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો થયો હતો.
(પિટિશનમાં સહી કરવા https://www.change.org/p/rt-hon-david-cameron-mp-implement-a-bilateral-work-visa-for-indian-students-give-them-an-equal-chance-at-building-their-future-and-allow-uk-india-educational-partnership-to-flourishની મુલાકાત લેશો)