લંડનઃ કોઈ નવશોધિત વસ્તુ કે દવાની પેટન્ટ કે ટ્રેડમાર્ક લેવાય તે જાણીતી વાત છે પણ વિશ્વના મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગ તેમનાં નામનો ટ્રેડમાર્ક લેવાના છે તે જરા નવાઈજનક છે. હોકિંગ તેમની કેટલીક શોધ માટે વિશ્વમાં સેલિબ્રિટી બન્યા છે, ખાસ કરીને 'ધ થિયરી ઓફ એવરીથિંગ' ફિલ્મને ઓસ્કાર એવોર્ડ મળ્યા પછી તેમની લોકપ્રિયતા વધી છે.
અગાઉ જે. કે. રાઉલિંગ અને ડેવિડ બેકહામ દ્વારા નામની બ્રાન્ડ માટે ટ્રેડમાર્ક લેવાયા છે પણ હવે ૭૩ વર્ષના બ્રિટિશ વૈજ્ઞાનિક હોકિંગ પણ આ ક્લબમાં જોડાઈ રહ્યા છે. હોકિંગ દ્વારા નામનો ટ્રેડમાર્ક મેળવવા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસમાં અરજી કરાઈ છે. અગાઉ ઇંગ્લિશ ભૌતિકશાસ્ત્રી બ્રાયન કોક્સ દ્વારા પણ આવી અરજી કરાઈ છે. કેમ્બ્રિજ યુનિર્વિસટીના પ્રવક્તાના જણાવ્યા મુજબ હોકિંગ માટે આ દ્વારા નામના કમાવાનો વિચાર નથી પણ તેમનાં નામને સુરક્ષિત રાખવા માટે તેઓ નામનો ટ્રેડમાર્ક લેવાના છે. ટ્રેડમાર્ક લેવા માટેનો તેમનો હેતુ કોઈ અયોગ્ય પ્રોડક્ટ સાથે કોઈ તેમનું નામ ન જોડે તે જોવાનો છે.