લંડનઃ બ્રિટનની સ્ટીલ ઈન્ડસ્ટ્રી સસ્તી આયાતો, ઊંચા વીજખર્ચા અને મજબૂત પાઉન્ડના કારણે ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે ત્યારે કેમરન સરકારે તાતા સ્ટીલના સ્કનથોર્પ પ્લાન્ટમાં નોકરી ગુમાવનારા ૯૦૦ વર્કરોને સહાય માટે £૯ મિલિયનના સપોર્ટ પેકેજની જાહેરાત કરી છે. જોકે, યુનિયનોએ આ સહાયની અપૂરતી ગણાવી છે. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે સ્ટીલ સેક્ટર ડામાડોળ હાલતમાં છે ત્યારે સરકાર મૂક દર્શક બની નહિ રહે. છેલ્લા કેટલાક મહિનામાં યુકેમાં ૪,૦૦૦થી વધુ વર્કરે નોકરી ગુમાવી છે.
બીજી તરફ, તાતા સ્ટીલની સબસિડિયરી યુકે સ્ટીલ એન્ટરપ્રાઈઝ દ્વારા પણ કામદારોને સપોર્ટ અને નવી નોકરીઓના સર્જન માટે £૩ મિલિયનના પેકેજની જાહેરાત થઈ છે. ઉલ્લેખનીય છે કે તાતા સ્ટીલે સ્કનથોર્પ અને સ્કોટલેન્ડમાં કુલ ૧,૨૦૦ વર્કરને છૂટા કરવાની જાહેરાત કરી છે. વેસ્ટ મિડલેન્ડ્સના ઓલ્ડબરીમાં લોર્ડ સ્વરાજ પોલની સ્ટીલ કંપની કેપારો ઈન્ડસ્ટ્રીઝને પણ એડમિનિસ્ટ્રેશન હેઠળ મૂકાઈ છે. સ્ટીલ કટોકટીની અસર અન્ય હજારો ઉત્પાદક કંપનીઓને થવાનું જોખમ છે.