લંડનઃ સ્ત્રી ભ્રૂણ હોવાથી એબોર્શન કરાવવાની સગર્ભાની માગણી સ્વીકારનારા ડોક્ટર પલાનિપ્પન રાજમોહનનું નામ જનરલ મેડિકલ કાઉન્સિલના રજિસ્ટરમાંથી રદ કરવાની કાર્યવાહી હાથ ધરાવાની શક્યતા છે. ડોક્ટરે સ્ત્રી ભ્રૂણહત્યા કહેવાય તેવું એબોર્શન કરાવ્યું હોવાની કબૂલાત કરી છે અને તે મુદ્દે જાહેર સુનાવણી કરાશે.
બીજી તરફ, મેડિકલ કાઉન્સિલે અન્ય ડોક્ટર પ્રભા શિવરામન સામેની કાર્યવાહી પડતી મૂકી છે. તેમણે સગર્ભાને કહ્યું હતું કે હું પ્રશ્નો કરતી નથી. જો એબોર્શન કરાવવું હોય તો એબોર્શન થશે. ધ ટેલિગ્રાફ દ્વારા જાતિ પસંદગીયુક્ત એબોર્શનના મુદ્દે તપાસના પગલે જનરલ મેડિકલ કાઉન્સિલે આ બે ડોક્ટરો સામે ઈન્ક્વાયરીની કાર્યવાહી હાથ ધરી હતી. ટેલિગ્રાફના રિપોર્ટરે સગર્ભા સ્ત્રીઓ સાથે દેશના વિવિધ ભાગમાં નવ ક્લિનિકની મુલાકાત લીધી હતી.