લંડનઃ સ્થગિત કરાયેલી પેન્શન પોલિસી વિદેશ સ્થળાંતર કરવા ઈચ્છતાં નિવૃત્ત પેન્શનરો માટે ભેદભાવયુક્ત હોવાનું જણાવતા ‘પેન્શન એડવોકસી’ અભિયાન જૂથથી સરકાર દબાણ હેઠળ આવી છે. આ યોજના હેઠળ બ્રિટિશ એશિયન પેન્શનરો ભવિષ્યમાં ફૂગાવાને સુસંગત પેન્શનમાં વધારો ગુમાવશે.
નિવૃત્ત વયથી વધુ વયના લોકો સ્થળાંતર કરે ત્યારે જે દરે તેમને રકમ મળતી હોય તે જ મળવાની ચાલુ રહેશે. જેઓ બ્રિટનમાં વસતા હશે તેમને વાર્ષિક વધારાની ગેરન્ટી મળે છે. મુદ્દાની વાત એ છે કે જેઓ ઈયુ દેશોમાં સ્થળાંતર કરશે તેમને સ્થગિત પેન્શન નિયમ લાગુ પડશે નહિ. બ્રિટનના અર્થતંત્રમાં દાયકાઓ સુધી ફાળો આપવા છતાં બ્રિટિશ એશિયન પેન્શનરો દંડિત થશે. ‘પેન્શન એડવોકસી’ જૂથની દલીલ છે કે વિદેશ સ્થળાંતર કરનારા પેન્શનરો NHS સેવા, વય આધારિત બેનિફિટ્સ અને અન્ય બેનિફિટ્સનો ઉપયોગ કરવાના નહિ હોવાથી દેશને નાણાકીય બચત જ થવાની છે.
બ્રિટિશ એશિયનોમાં નિવૃત્તિ પછી તેમના વતનમાં જવાનું વલણ હોવાથી તેમને આ ભેદભાવની મોટી નાણાકીય અસર સહન કરવી પડે છે. અભિક બેનરજી હાલ ૭૨ વર્ષના છે અને ૧૯૯૭માં ૫૪ વર્ષની વયે પરિવાર સાથે ભારત સ્થળાંતર કરી ગયા હતા. તેમને £૮૭.૩૦નું પેન્શન પ્રતિ સપ્તાહ મળે છે. જો તેઓ યુકેમાં રહેતા હોત તો વર્તમાન £૧૧૪ પ્રતિ સપ્તાહના ધોરણે પેન્શન મેળવતા હોત. આમ, તેઓ ૨૪ ટકા ઓછું પેન્શન મેળવે છે.
વનપોલ સર્વે અનુસાર ૬૧ ટકા બ્રિટિશ એશિયન પેન્શનરો નિયમોમાં ફેરફાર કે તેની અસરોથી અજાણ છે. લગભગ ૪૦ ટકાએ કહ્યું હતું કે તેનાથી તેમના નિર્ણય પર અસર પડી શકે અને ૨૪ ટકાએ ચોક્કસ અસર પડશે તેવો પ્રતિભાવ આપ્યો હતો. આ જ સર્વેમાં ૩૮ ટકાએ તેઓ વતન જવા વિચારતા હોવાનું જણાવ્યું હતું.