લંડનઃ હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ચેતવણી આપી છે કે આગામી ૧૦ વર્ષમાં યુએસ અને યુકેમાં કેન્સરના સૌથી મોટા જોખમ તરીકે ધૂમ્રપાન નહિ, પરંતુ મેદસ્વીતાનું સ્થાન હશે. અત્યારે યુકેમાં દર વર્ષે મેદસ્વીતા-સ્થૂળતા સાથે સંકળાયેલા કેન્સરથી ૩૨,૦૦૦ના મૃત્યુ થાય છે. યુકેમાં પુખ્ત વયના આશરે ૨૫ ટકા લોકો સ્થૂળ અથવા ઓવરવેઈટ છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યા અનુસાર ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા વધીને ૩૩ ટકા જેટલી થઈ જશે. ઈંગ્લેન્ડ માટે નોંધપાત્ર બાબત એ છે કે ગત દાયકામાં ધૂમ્રપાનથી થતાં મોતમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
યુકેમાં દર વર્ષે કેન્સરના નવા ૩૩૦,૦૦૦ કેસમાંથી ૧૬૨,૦૦૦ના મોત થાય છે, જેમાંના ૩૨,૦૦૦ મોત સ્થૂળતાથી થતાં કેન્સરના પરિણામે હોય છે. સ્થૂળતાના કારણે પેશન્ટને બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, આંતરડા, ગર્ભાશય અને સર્વાઈકલ સહિતના કેન્સર થવાનું જોખમ વધે છે એટલું જ નહિ, મૃત્યુની સંભાવના પણ વધી જાય છે. સંશોધકોની ટીમે સ્થૂળતા અને કેન્સર વચ્ચે કડી શોધવા ત્રણ વર્ષ અભ્યાસ કર્યો હતો. સ્થૂળતાના કારણે કેટલાંક હોર્મોન્સનું પ્રમાણ વધતા ગાંઠ પેદા થાય છે અને કેન્સરની સારવારમાં અવરોધ સર્જે છે. સંશોધકો કહે છે કે કેન્સરની સારવારમાં કેમોથેરાપી અને સર્જરીની સાથે નિયમિત આહાર અને કસરતને સ્થાન આપવું જરુરી છે.