લંડનઃ હાઉસ ઓફ કોમન્સના સ્પીકર જ્હોન બર્કો તેમની બેવફા પત્ની સેલીને ડાઈવોર્સ આપી ૧૩ વર્ષના લગ્નજીવનનો અંત લાવવા માગે છે. સ્પીકરની ઈચ્છા ૨૭મેની ક્વીન્સ સ્પીચ પહેલા આ મુદ્દો ઉકેલી દેવાની છે. પત્નીની બેવફાઈથી દુઃખી બર્કોએ સામાન્ય ચૂંટણી પછી કોમન્સની પ્રથમ બેઠકમાં સ્પીકરપદ જાળવી રાખ્યું છે. સાંસદોએ બહુમતીથી તેમને સ્પીકર તરીકે પુનઃ ચૂંટ્યા હતા. ગત સપ્તાહે બર્કોના કઝીન એલન સાથે સેલીના સંબંધોનો પર્દાફાશ થયા પછી સ્પીકર ભારે મૂંઝવણમાં મૂકાયા હતા. એફેરના મૂળમાં ૫૦ વર્ષ જૂનો પારિવારિક ઝઘડો કારણભૂત હોવાનું પણ કહેવાય છે.
દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી જ્હોન બર્કોના પિતા ચાર્લીએ સ્થાપેલી મિનિકેબ પેઢીની માલિકીના મુદ્દે તેમના ભાઈ સેમસન સાથે વિવાદના પગલે બન્ને અલગ પડી ગયા હતા. ત્રણ વર્ષ અગાઉ જ્હોન અને એલને મતભેદો ભૂલી સમાધાનનો નિર્ણય કર્યો ત્યારે એલન અને સેલી વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી. સ્પીકર બર્કો તેમના બકિંગહામ મતક્ષેત્રમાં ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત હતા ત્યારે એપ્રિલમાં ૫૭ વર્ષીય એલન તેમના ફ્લેટમાં રહેવા આવી ગયા હતા. એલન આ મહિને તેની પત્ની પાસે પરત ફરવા સાથે તેમના સંબંધોનો અંત આવ્યો હતો. પ્રેમભગ્ન સેલી તેના બેટરસીના ફ્લેટમાં અને જ્હોન બર્કો ત્રણ સંતાનો સાથે કોમન્સે ફાળવેલા ફ્લેટમાં અલગ રહે છે.
ગત સપ્તાહમાં બર્કોને મળેલા સાંસદોના કહેવા મુજબ સ્પીકર તેમના પત્નીની એફેરથી ભારે અશાંત હોવા છતાં સ્પીકરપદ છોડવા ઈચ્છતા નથી. વડા પ્રધાન ડેવિડ કેમરને વરિષ્ઠ ટોરીઝને આપેલી ચેતવણીના પગલે બર્કો ચૂંટાઈ જ આવશે તેવી ખાતરી છે.