લંડનઃ સ્લાઉના યુવા રાજકારણી હમઝા એહમદે શહેરને લાગેલા સામાજિક કલંકને લીધે તેનું નામ બદલવા કાઉન્સિલને અનુરોધ કર્યો છે. યુકે યુથ પાર્લામેન્ટના ૧૮ વર્ષીય નેતાનું માનવું છે કે નવું નામ શહેરને તેની પૂર્ણ ક્ષમતાએ પહોંચવામાં મદદરૂપ થશે. જોકે, કાઉન્સિલે શહેરનું નામ બદલવા સ્પષ્ટ ઈનકાર કર્યો છે.
એહમદે જણાવ્યું કે બર્કશાયરના ટાઉન માટે નકારાત્મક પૂર્વધારણા છે. આ શહેર સિંગલ પ્રાઈવેટ ઓનરશિપમાં યુરોપમાં સૌથી મોટું ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ધરાવે છે. એહમદે કહ્યું કે રિજનરેશન પ્રોજેક્ટ્સમાં કાઉન્સિલ લાખો પાઉન્ડનું રોકાણ કરે છે. શહેરનું નામ બદલવા માટે લોકો સંમત છે કે નહીં તેને માટે કાઉન્સિલે લોકોને વિકલ્પ આપવો જોઈએ.
બરો કાઉન્સિલ દ્વારા જણાવાયું હતું કે ‘નામને લીધે આપણે પાછળ પડ્યા નથી. નામમાં ફેરફારની શક્યતા નથી. આપણે સ્લાઉ છીએ, આપણા માટે ખ્યાતિ અને બદનામી બન્ને સરખા છે. કોઈ આપણી વાત જ ન કરે તેના કરતાં વાત કરે તે સારું છે.’