લંડનઃ વડતાલ પીઠાધિપતિ પ.પૂ. શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે હેરો, લંડન ખાતે શ્રી સ્વામીનારાયણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામીનારાયણ આજ્ઞા-ઉપાસના સત્સંગ મંડળ-યુકે દ્વારા આયોજિત આ મહોત્સવમાં ૨૩ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ ૨૦૧૬ દરમિયાન શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણ યોજવામાં આવી હતી. આ પ્રસંગને શોભાવવા ભારતના વડતાલ, ગઢડા અને સરધાર સ્વામીનારાયણ મંદિરોએથી સાતથી વધુ સંતો યુકે પધાર્યા હતા.
શ્રી સ્વામીનારાયણ મહોત્સવનું અધ્યક્ષસ્થાન વડતાલ મંદિરના પ.પૂ. શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ઉપાધ્યક્ષસ્થાન પ.પૂ ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજે શોભાવ્યું હતું. વ્યાસપીઠ પર સરધાર મંદિરના મહંત સ્વામી નિત્ય સ્વરુપદાસજી બિરાજ્યા હતા. આ પારાયણમાં દરરોજ ૭૦૦થી ૮૦૦ સંત્સંગીઓએ લાભ લીધો હતો. લંડન ઉપરાંત, યુકેના અન્ય શહેરોમાંથી પણ હરિભક્તો પારાયણનો લાભ લેવા આવી પહોંચ્યા હતા. રવિવારે રાસોત્સવ કાર્યક્રમમાં ૧૦૦૦થી વધુ ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાશ્રવણનો લાભ લીધો હતો. ૨૯ ઓગસ્ટે કથા પારાયણની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
સ્વામીનારાયણ મહોત્સવના મુખ્ય યજમાનપદનો લાભ ભાવેશ ડોબરીયાએ લીધો હતો, જ્યારે ઘનશ્યામ પટેલ, ડો. કંદર્ભ જોષી અને જયેશ પાંભરે સહયજમાન બનવાનો લાભ લીધો હતો.