લંડનઃ ગત ૨૬ ફેબ્રુઆરીએ સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી સમુદાયે ૨૦૦૯થી અત્યાર સુધીની૨૦મી બ્લડ ડોનેશન સેશન યોજી હતી. મંદિરના પ્રેરક આચાર્ય સ્વામીશ્રી મહારાજ ૭૫ વર્ષના થયા તે નિમિત્તે વર્ષ દરમિયાન ચાલનારી ઉજવણી અને ચેરિટી પ્રવૃત્તિઓના ભાગરૂપે તેનું આયોજન કરાયું હતું. મંદિર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૦૦૦ યુનિટ બ્લડ એકત્ર કરાયું છે અને ૭૦૦ નવા રક્તદાતા જોડાયા છે. આ પ્રવૃત્તિ દ્વારા લગભગ ૬,૦૦૦ લોકોના જીવનમાં સુધારો થયો છે.
તેમણે જણાવ્યું હતું,‘ રક્તદાન એ કોઈ પણ વ્યક્તિ કરી શકે તેવું સૌથી મોટું દાન છે. કોઈ અઢળક સંપત્તિ આપે પરંતુ, તેની સરખામણી રક્તદાન સાથે થઈ શકે નહિ.’ મંદિરની બ્લડ ડોનેશન સેશન્સને ઘણી વખત સ્થાનિક ચર્ચ, ગુરુદ્વારા, મસ્જિદ, યહૂદી ધર્મસ્થાનો દ્વારા સહયોગ સાંપડ્યો છે અને તેને લીધે ઉદારતાની આવી નિઃસ્વાર્થ પ્રવૃત્તિઓ કરવા માટે વિવિધ ધર્મના જૂથો એક થાય છે.
૨૦ વખત બ્લડ આપનારા ભાવેશ વરસાણીએ જણાવ્યું હતું કે, ‘આ ખૂબ સાદું અને સરળ છે અને કોઈકનું જીવન બચાવવા માટે આપણે કશું ગુમાવવું પડતું નથી.’
થેલેસેમિયાના દર્દી અમિત ઘેલાણીએ નવજીવનની ભેટ આપવા બદલ સારવાર માટે દર ત્રણ અઠવાડિયે તેમના માટે રક્તદાન કરતા દાતાઓનો આભાર માન્યો હતો.
પપ વખત રક્તદાન કરનારા મુક્સ રાબડિયાએ જણાવ્યું હતું કે,‘આવી પ્રવૃત્તિ લોકોને કશુંક અલગ કરવાની અને લોકોના જીવન બચાવવાની તક આપે છે.’
‘સેવા ડે’ના એક મહિનાના અભિયાનમાં વધુ લોકો રક્તદાન કરવા પ્રેરાય તે માટે તેમને પ્રોત્સાહન પૂરું પાડવા સંસ્થાના ટ્રસ્ટી મનોજ લાડવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,‘બ્લડ આપવાથી તમે લોકોને નવું જીવન આપો છો. આ સેશનમાં જોડાયેલા તમામ સહાયકો અને નર્સીસ વોલન્ટીયરીંગ દ્વારા સમાજને પોતાનો ખૂબ કિમતી એવો સમય આપી રહ્યા છે.’
મંદિર દ્વારા આગામી ૧૮ જૂન રવિવારે ફાધર્સ ડે નિમિત્તે બ્લડ ડોનેશન સેશન યોજાશે.
રક્તદાતા www.blood.co.uk પર સર્ચ ફોર સેશન્સમાં NW9માં જઈને ‘ફાઈન્ડ અ વેન્યુ’માં પોતાની નોંધણી કરાવી શકશે.