લંડનઃ યુએસની વાબાશ કોલેજમાં હ્યુમનિટિઝમાં લાફોલેટ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર રેમન્ડ બ્રેડી વિલિયમ્સે બીજી જૂને લંડનની કિંગ્સ કોલેજ ખાતે ‘સ્વામીનારાયણ હિન્દુઈઝમ-ટ્રેડિશન, એડપ્ટેશન એન્ડ આઈડેન્ટિટી’ પુસ્તકના લોકાર્પણ વેળાએ કહ્યું હતું કે, લોકશાહી અને શાંતિમય સમાજનું નિર્માણ જ્ઞાન અને આશા થકી જ થઈ શકે. રેમન્ડ બ્રેડી વિલિયમ્સ અને યોગી ત્રિવેદી દ્વારા સંપાદિત પુસ્તકમાં કોમ્યુનિટીની વિવિધ શાખાના સાધુ-સંતો, વિદ્વાનો અને અન્ય લેખકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયના ઈતિહાસ, ધર્મશાસ્ત્ર અને સાહિત્ય, કળા અનેસ્થાપત્ય અને આંતરરાષ્ટ્રીય વિકાસ આંદોલનો સંબંધિત વિભાગોમાં સુસંગત અને નવી માહિતીનો સમાવેશ કરાયો છે.
પ્રોફેસર રેમન્ડ બ્રેડી વિલિયમ્સે કહ્યું હતું કે આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક પરિવર્તનો મધ્યે વ્યક્તિગત અને સમૂહની ઓળખની પરંપરા, અનુકૂલન અને જાળવણી આ પુસ્તકની વિશેષતા છે. ઓગસ્ટ ૨૦૧૩માં દિલ્હી ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયના ચાર દિવસના અધિવેશન પછી ૨૦ વિદ્વાનોને પસંદ કરી આ પુસ્તક લખવા આમંત્રણ અપાયું હતું.
વિલિયમ્સે કહ્યું હતું કે આ પુસ્તકમાં પ્રત્યક્ષ સાક્ષીઓના વર્ણન થકી સ્વામીનારાયણ સંપ્રદાયના ઈતિહાસનું વર્ણન કરાયું છે. ઈસ્ટ આફ્રિકામાં સંપ્રદાયના ઈતિહાસનું એક પ્રકરણ છે, જેના સ્રોત નાઈરોબીસ્થિત મહેન્દ્રભાઈ પટેલે ઈસ્ટ આફ્રિકામાં એશિયન અને હિન્દુ સમુદાય અને સ્વામીનારાયણ સંપ્રદાયના વિકાસની વિગતો આપી હતી. મહેન્દ્રભાઈએ યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટી કરાઈ ત્યારે કેન્યા અને ઈસ્ટ આફ્રિકામાં સંપ્રદાયના નેતા તરીકે મંદિરના પૂજાવિધિના સાધનો કેન્યામાં સલામત સ્થળે પહોંચાડવાનું કાર્ય કર્યું હતું. વિલિયમ્સે તેમની આ કામગીરીનું વર્ણન કર્યું ત્યારે સભાખંડમાં હાજર મહેન્દ્રભાઈને તાળીઓનાં ગડગડાટથી વધાવી લેવાયા હતા.
અન્ય પ્રકરણમાં વર્ષ ૨૦૦૨માં ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર ત્રાસવાદી હુમલાની ઘટના વર્ણવાઈ છે. આ પ્રકરણ લેસ્ટરમાં ઉછરેલા અને અહીંનો સંપ્રદાય છોડી હાલ ગ્લોબલ ઓફિસમાં કાર્યરત અને પ્રમુખસ્વામી મહારાજ સાથે ગાઢપણે સંકળાયેલા બ્રહ્મવિહારી સ્વામીએ લખ્યું છે. મંદિર પર ત્રાસવાદી હુમલા સમયે તેઓ મંદિરમાં જ હતા. વિલિયમ્સે કહ્યું હતું કે આવું મર્મભેદક પ્રત્યક્ષદર્શી વર્ણન આ પુસ્તક સિવાય અન્ય કોઈ સ્થળે મળતું નથી. અન્ય મહત્ત્વની બાબત એ છે કે આ પ્રકરણ આંતરસાંપ્રદાયિક સંવાદિતા તથા તંગદીલી અને સંઘર્ષને દૂર રાખવાને નજરમાં રાખી આંતરધર્મીય સંબંધોના સંદર્ભમાં લખાયું છે.
કોલમ્બિયા યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ રીલિજિયનમાં ડોક્ટરલ સ્ટુડન્ટ અને ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં એડજંક્ટ પ્રોફેસર અને પુસ્તકના સહસંપાદક યોગી ત્રિવેદીએ સ્વામીનારાયણ સંપ્રદાયના પદ્ય અને સંગીત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યોગી ત્રિવેદીએ કહ્યું હતું કે આ પુસ્તકના લોકાર્પણનો હેતુ સ્વામીનારાયણ સમુદાય તેમજ વિશાળ ગુજરાતી અને હિન્દુ ડાયસ્પોરા સમુદાય સુધી એ વાત પહોંચાડવાનો છે કે સ્વામીનારાયણ સંપ્રદાય માત્ર મંદિરો અને વિશ્વભરમાં જેના માનવતાવાદી કાર્યોની પ્રશંસા અને કદર કરાય છે તેનાથી પણ વિશેષ છે. તેમણે આ પ્રસંગે ભાવવિભોર થઈને બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી રચિત સંગીતમય મધુર ગીતરચનાઓ ગાઈ સંભળાવી હતી.
કાર્યક્રમનું યજમાનપદ અને અધ્યક્ષસ્થાન કિંગ્સ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર પ્રોફેસર સુનિલ ખિલનાનીએ શોભાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘આ પુસ્તક ભારત અને સમગ્ર વિશ્વમાં અતિ મહત્ત્વપૂર્ણ જીવંત પરંપરાનો ગંભીર વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ છે. પુસ્તક કોઈ કપોળ-કલ્પનાઓથી લખાયું નથી, પરંતુ સમુદાયના જીવનમાં વહેતી પરંપરાને દર્શાવે છે. સ્વામીનારાયણ સમુદાય ભારત વિશે મારી વ્યાપક સમજનો હિસ્સા બની રહ્યો છે. આમ છતાં, તેના વિશે આવું વિદ્વત્તાપૂર્ણ આલેખન મેં ખરેખર જોયું નથી.’ આ કાર્યક્રમનું સંચાલન કિંગ્સ કોલેજ, લંડનના ડો. કેથેરાઈન બટલર સ્કોફિલ્ડ દ્વારા કરાયું હતું.