લંડનઃ ભારતીય વિદ્યા ભવન ખાતે આઠ ફેબ્રુઆરીએ ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુકેસ્થિત ભારતીય નાયબ હાઈ કમિશનર દિનેશ પટનાયક, લોર્ડ ભીખુ પારેખ અને લોર્ડ નવનીત ધોળકિયા, ભારતીય વિદ્યાભવનના ચેરમેન જોગિન્દર સંગર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એન. નંદકુમાર સહિત મહાનુભાવોએ સંબોધનો કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન દિનેશ પટનાયકે ભારતીયોને હંમેશા રક્ષણાત્મક ન બની રહેવાની સલાહ આપી હતી.
નાયબ હાઈ કમિશનર પટનાયકે જણાવ્યું હતું કે,‘આપણે અહીં ૧.૫ મિલિયનની મજબૂત કોમ્યુનિટી છીએ. આ દેશના મજબૂત આધારોમાં એક છીએ, જીવનના દરેક ક્ષેત્રમાં આપણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે છતાં આપણે હંમેશાં બચાવની સ્થિતિમાં જ રહીએ છીએ. આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી છીએ, વિશ્વની મોટી લોકશાહીઓમાં સૌથી ઝડપે વિકસતું અર્થતંત્ર છીએ. આમ છતાં, આપણે જે છીએ તેના વિશે બચાવ જ કરતા રહીએ છીએ. અહીં ભારતીયો પોતાના અધિકારોની માગણી કરતા જ નથી. આપણે બધાં જ ભારતના દૂત છીએ અને તે જ રીતે વર્તવું જોઈએ.’
લોર્ડ ભીખુ પારેખે લોકશાહી અને પ્રજાસત્તાક વિશે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે,‘લોકશાહી સરકારના સ્વરુપનો ઉલ્લેખ કરે છે, જ્યારે ગણતંત્ર સામાજિક વ્યવસ્થાનું સ્વરુપ દર્શાવે છે. રિપબ્લિક સામાજિક અને આર્થિક સમાનતા પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમાં સક્રિય નાગરિકત્વનું સૂચન છે. નાગરિકોએ રાષ્ટ્રની માલિકીમાં સક્રિયતા રાખવી જોઈએ અને પોતાની સતત ભાગીદારીથી તેને પોતાનું બનાવવું જોઈએ.’
લોર્ડ નવનીત ધોળકિયાએ જણાવ્યું હતું કે,‘જો તમે પોતાના વિકાસ સાથે દેશને વધુ સારો બનાવતી કોમ્યુનિટી જોવા ઈચ્છતા હો તો અહીંની ભારતીય કોમ્યુનિટીને જૂઓ. આ દેશમાં આપણી કોમ્યુનિટીનું પ્રદાન અનોખું છે. થોડાં વર્ષો અગાઉ કોણે કલ્પના કરી હશે કે નરેન્દ્ર મોદીનું સ્વાગત અહીંના પેલેસ અને બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર દ્વારા કરાશે. આ આપણી કોમ્યુનિટીનો ઊંચો મોભો દર્શાવે છે.’