લંડનઃ યુરોપીય દેશોમાં રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ અરજદારોને તેમના મૂળ દેશોમાં હાંકી કાઢવાની ગુપ્ત યોજના ઈયુ દેશો દ્વારા તૈયાર કરવામાં આવી છે. થેરેસા મે સહિત ઈયુ હોમ ઓફિસ મિનિસ્ટર્સ દ્વારા આ ચર્ચા હાથ ધરાઈ હતી. આ વર્ષના પૂર્વાર્ધમાં ઈયુમાં પ્રવેશેલા ૪૦૦,૦૦૦થી વધુ લોકોના એસાઈલમ દાવાઓ ફગાવી દેવાય તેવી ધારણા છે. આના પરિણામે, ઈયુ નેતાઓ સમક્ષ માનવીય અને રાજકીય પડકારો ઉભાં થશે.
નાઈજર અને એરિટ્રીઆ જેવાં દેશો તેમના આર્થિક માઈગ્રન્ટ્સ પાછાં ન લે તો તેમની સામે સહાય પાછી ખેંચવા, વેપારી સોદાઓ અને વિઝા વ્યવસ્થા રદ કરવાની ધમકીઓ અપાશે. હજારો માઈગ્રન્ટ્સ હદપારી ટાળવા નાસી ન છૂટે તે માટે તેમને અટકમાં લેવાઈ રહ્યાં હોવાનું પણ ગુપ્ત દસ્તાવેજોમાં જાણવા મળ્યું છે.
સીરિયા, અફઘાનિસ્તાન અથવા લીબિયાથી મોટી સંખ્યામાં આવેલાં લોકોની રાજ્યાશ્રય અરજીઓ ફગાવી દેવાય તેવી શક્યતા છે. બ્રિટન આ યોજનાથી બંધાયેલું નથી, પરંતુ થેરેસા મે તેને ટેકો આપે તેવી અપેક્ષા છે. મધ્ય પૂર્વમાં યુદ્ધો અને આફ્રિકામાં ગરીબીના કારણે બીજા વિશ્વ યુદ્ધ પછી નિરાશ્રિતોની સૌથી મોટી વણઝારનો પ્રશ્ન કેવી રીતે ઉકેલવો તે બાબતે યુરોપિયન નેતાઓ વિભાજિત છે. માઈગ્રન્ટ્સના દેશનિકાલમાં મદદરૂપ થવાં ઈયુ બોર્ડર ગાર્ડ એજન્સીના વિશેષ એકમ ‘ફ્રન્ટેક્સ’ની પણ રચના કરવાનું દસ્તાવેજ જણાવે છે.