લંડનઃ રવિવાર, ૧૬ ઓક્ટોબરે હજારો લોકો લંડનમાં ૧૫મી દિવાળીની ભવ્ય ઉજવણી કરવા ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે એકત્ર થયાં હતાં. મેયર સાદિક ખાન અને ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ પણ તેમની સાથે જોડાયા હતા. પ્રકાશના ઉત્સવમાં મોટી સંખ્યામાં મુલાકાતી, ડાન્સર્સ ગીત-સંગીત અને જીવંત મનોરંજનમાં સામેલ થયા હતા. બ્રિટિશ એશિયન ગાયક નવીન કુન્દ્રા સહિત કલાકારો સ્ટેજ પરફોર્મન્સમાં સામેલ થયા હતા. ભારતીય સ્ટ્રીટ ફૂડ બજારમાં વિવિધ સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓ અને નોન-આલ્કોહોલિક ડ્રિન્ક્સનું વેચાણ આખો દિવસ કરવામાં આવ્યું હતું.
ઉત્સવ સમારંભના ઉદ્ઘાટનમાં સંબોધન અગાઉ ટીપ્પણી કરતા મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે,‘લંડન સમામ લોકો અને કોમ્યુનિટીઓ માટે ખુલ્લું છે- અમે એકબીજાના મતભેદોને જ સહન નથી કરતા, તેમને ગળે પણ લગાવીએ છીએ. લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં દિવાળીની આનંદપૂર્ણ ઉજવણીમાં આ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. દિવાળીનો કેન્દ્રરુપ સંદેશો શાંતિનો છે અને તેમાંથી આપણે આપસી સન્માન શીખી શકીએ છીએ.’
એર ઈન્ડિયા દ્વારા ફોટો બૂથ ઉભું કરવામાં આવ્યું હતું, જ્યાં મુલાકાતીઓ એર ઈન્ડિયાના પ્રતીક મહારાજાનો વેશ ધારણ કરી ફોટો પડાવી શકતા હતા. સેવા ડેનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં સ્વયંસેવક યુવાનો સમગ્ર યુકેમાં તેમના ૧૨૦ પ્રોજેક્ટ્સ વિશે મુલાકાતીઓને સમજ આપતા હતા અને લોકોને અંગદાનની નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરતા હતા.
બ્રિટિશ એશિયન ગાયક નવીન કુન્દ્રા સહિત કલાકારો સ્ટેજ પરફોર્મન્સમાં સામેલ થયા હતા. ભારતીય સ્ટ્રીટ ફૂડ બજારમાં વિવિધ સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓ અને નોન-આલ્કોહોલિક ડ્રિન્ક્સનું વેચાણ આખો દિવસ કરવામાં આવ્યું હતું. લોકો જ્વેલરી, મરીમસાલા, રંગોળી અને આયુર્વેદિક ઉત્પાદનો સહિતની ચીજવસ્તુઓ ખરીદવા ઉમટ્યાં હતાં. મુલાકાતીઓએ ભારતીય સાડી પહેરવા, બોલીવૂડના નૃત્યો શીખવા, યોગ અને ધ્યાનસત્રોમાં હાજરી આપવા, મેંદીના ટેટુ લગાવવા, આરોગ્ય સંબંધિત નુસખા જાણવા સહિતની તકો ઝડપી લીધી હતી. કેટલાક લોકોએ દિવાળી અને તેની પાછળની આસ્થાની જાણકારી મેળવવા ઉપરાંત, આતશબાજીનો આનંદ ઉઠાવ્યો હતો. બાળકોએ દિવાળીની પરંપરા સાથે સંકળાયેલી વાર્તા સાંભળવા, રમતો, આર્ટ અને હસ્તકળા સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
આ વર્ષે લંડનના મેયરે લોકોને તેમના દિવાળીના અનુભવો સોશિયલ મીડિયા પર #MyDiwali હેશટેગ સાથે શેર કરવા આમંત્રિત કર્યા હતા. આગામી વર્ષના દિવાળી ઈન લંડન કમિટીના ચેરમેન તરીકે રવિ ભનોટની પસંદગી કરવામાં આવી હતી.