હરિશ પટેલના ૬૦ વર્ષની વયે અકાળ અવસાનથી તેમનો પરિચય ધરાવતા લોકોમાં શૂન્યાવકાશની લાગણી છવાઈ ગઈ છે. તેઓ ઉમદા માનવી હોવા સાથે જ આનંદી, ઉષ્માપૂર્ણ અને લોકોને મદદ કરવા હંમેશાં તત્પર સદગૃહસ્થ હતા. તેમના પિતાના પણ અકાળ અવસાન સુધી તેઓ તેમની છાયામાં અને તેમના સહાયકની ભૂમિકામાં જ રહ્યા. પિતાના અવસાન પછી તેઓની આગવી છબી ઉપસી આવી અને તેમણે પિતાની સામાજિક ભૂમિકાને અપનાવી પોતાની જ રીતે નવો ઓપ આપ્યો હતો. તેમણે લોકોમાં એકતાની ભાવના પ્રસરાવી, તેમના મતભેદોના નિરાકરણમાં મદદ કરી અને ભારતીયોના સાચા સમુદાયના નિર્માણને અગ્રતા આપી હતી. ભારતીય સમુદાયના સભ્યો અને વિશેષતઃ ઈસ્ટ આફ્રિકન ભારતીયોમાં તેઓ કોઈને ઓળખતા ન હોય કે તેમની સાથેની મિત્રતાને હૃદયમાં સ્થાન આપ્યું ન હોય તેવું કોઈ ભાગ્યે જ હશે. મારા અંગત અનુભવથી હું કહી શકું તેમ છું કે તેમનું ઘર અમારા સહુ માટે ખુલ્લું જ રહેતું અને તેમની હોટેલે પણ જ્યારે જરૂર હોય ત્યારે આતિથ્ય પુરું પાડ્યું હતું.
આજે હરિશ પટેલ આપણા વચ્ચે નથી, પરંતુ આપણા જેવા ઘણા માટે તેઓ અનંત સંસ્મરણો છોડી ગયા છે. આ સંસ્મરણો જ્યાં સુધી છે ત્યાં સુધી તો તેઓ અમર રહેશે.
- પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખ