લંડનઃ વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા ગુનેગાર ઠરેલો બાળ યૌનશોષણખોર ઈમામ હાફિઝ રહેમાન બાંગલાદેશ નાસી છૂટ્યો હોવાનું જાણતા તેનો શિકાર બનેલી હાલ ૩૦ વર્,ીય નાબિલા શર્માને પૂર્ણ ન્યાય નહિ મળ્યાનો નિરાશાપૂર્ણ આઘાત લાગ્યો છે. ડડલીની મસ્જિદના ઈમામે ૩૦ વર્ષ અગાઉ નાબિલા અને અન્ય છોકરીને પોતાનો શિકાર બનાવી હતી. કોર્ટે હાફિઝને ૧૧ વર્ષ અને છ મહિનાના કારાવાસની સજા ફરમાવી હતી. જોકે, સત્તાવાળા હજુ તેને શોધી શક્યા નથી.
ડડલી મસ્જિદના હવસખોર ઈમામના હાથે ૩૦ વર્ષ અગાઉ પોતાનું કેવું શોષણ થયું તેની જુબાની આપવાની હિંમત એકઠી કરવામાં નાબિલાને વર્ષો લાગ્યાં હતાં. સાતથી ૧૧ વર્ષની વય સુધી દરરોજ તેનું શોષણ કરાયું હોવાનું કોર્ટમાં સમક્ષ જાહેર કરવામાં પણ તેણે ભારે માનસિક વ્યથા અનુભવી હતી પરંતુ, ન્યાયને ખાતર આ જરુરી હોવાનું તેને લાગ્યું હતું.
માર્ચ ૨૦૧૪માં રહેમાનની ધરપકડ કરાઈ હતી. જોકે, તેણે કશું જાણતો હોવાનો કે નાબિલાને ઓળખતો હોવાનો પણ ઈનકાર કર્યો હતો. આ પછીની તપાસમાં બીજી પીડિતાની પણ જાણ થતાં જાન્યુઆરી ૨૦૧૬માં રહેમાન સામે વધુ આરોપો મૂકાયા હતા. જો રહેમાન મળી આવશે અને તેનું યુકેને પ્રત્યાર્પણ થશે તો તેને આ સજા ઉપરાંત, નાસી જવાના ગુનાની બીજી સજા પણ ભોગવવી પડશે.