લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને બીજા ગેરકાયદે રેફરન્ડમની SNPની માગણી ફગાવી દીધી છે. તેમણે સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા નિકોલા સ્ટર્જનને ચેતવણી આપી હતી કે હું વડા પ્રધાન છું ત્યાં સુધી સ્કોટલેન્ડની આઝાદી અંગે નવો કોઈ રેફરન્ડમ લેવાશે નહિ. જોકે, ચૂંટણીમાં સ્કોટલેન્ડમાં SNPના ભવ્ય વિજયને ધ્યાનમાં રાખતા કેમરને વર્તમાન વિકેન્દ્રીકરણ તબક્કો પૂર્ણ થયા પછી સ્કોટલેન્ડને વધુ સત્તા આપવા વિચારવાનું આશ્વાસન આપ્યું હતું.
સ્કોટલેન્ડની ૫૯ બેઠકમાંથી SNPને ૫૬ બેઠક મળી છે. તેમણે ગેરકાયદે જનમત લેવાની સ્કોટિશ પાર્ટીની ધમકીઓ ફગાવતા પૂર્વ નેતા એલેક્સ સાલમન્ડે ગત વર્ષના જનમતને ‘એક પેઢીમાં મળેલી અભૂતપૂર્વ તક’ કહ્યાની યાદ અપાવી હતી. ઈયુ અંગે ૨૦૧૭માં લેવાનારા જનમતમાં સ્કોટલેન્ડને કોઈ પણ નિર્ણયમાં વીટો સત્તા આપવાની શક્યતા પણ કેમરને ફગાવી હતી. ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જન સાથે ઐતિહાસિક વાતચીત કરવા કેમરન એડિનબરા ગયા હતા. સ્ટર્જને વધુ સત્તા અને કરકસરનો અંત લાવવા સહિતની માગણીઓ ઉઠાવી હતી.