લંડનઃ યુવાવયે મજાક-મજાકમાં કરેલું નિર્દોષ તોફાન ક્યારેક હસવામાંથી ખસવા જેવું સાબિત થતું હોય છે તેનો એક નમૂનો કોવેન્ટ્રીમાં જોવા મળ્યો છે. વીસેક વર્ષનો એક યુવાન સૂતો હતો ત્યારે કેટલાક મિત્રો તેના ગળામાં લોખંડના સળિયાવાળું બાઇકનું લોક લગાવી દીધું. સહુ કોઇ હસતા હતા, પણ થોડી વાર પછી લોકની ચાવી ખોવાઈ ગયાની જાણ થઇ ત્યારે બધા ધંધે લાગી ગયા. લોક એવું તો ફિટ થઇ ગયું હતું કે ચાવી વિના તે ખૂલે તેમ નહોતું. ત્રણેક કલાક સહુ કોઇ મથ્યા. ચાવી વિના લોક ખોલવા બહુ મહેનત કરી, પણ સફળ ન થયા. આખરે યુવકની મમ્મી દીકરાને લઈ ફાયર-ફાઇટર સ્ટેશને પહોંચી. મુસીબત સમજાવી. ફાયર-ફાઇટર્સે હાઇડ્રોલિક પેડલ કટરથી લોક છૂટું પાડવાની કોશિશ કરી, પણ કટરની બ્લેડ જ તૂટી ગઈ. છેવટે તેમણે સળિયો કાપીને ગળામાંથી લોક કાઢ્યું ત્યારે યુવાને હાશકારમો અનુભવ્યો.