લંડનઃ ભારતના બ્રિટન ખાતેના નવનિયુક્ત હાઈ કમિશનર વી. દોરાઈસ્વામી લંડન આવી પહોંચ્યા છે. તેઓ એરપોર્ટ પરથી સીધા જ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. બાદમાં તેઓ ગુરુદ્વારાથી વિઝા ટીમ સાથે વિઝા અને કોન્સ્યુલર સેન્ટર VFSની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં વિઝા અરજદારોની વિવિધ મુદ્દે, ખાસ તો એપોઇન્મેન્ટ મેળવવામાં વિલંબ અંગે રજૂઆતો સાંભળી હતી. તેઓ વિવિધ સેવાને સરળતાથી ઉપલબ્ધ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરવા પ્રતિબદ્ધ છે.
બાદમાં હાઇ કમિશનરે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ટોની રાડાકિન સાથે પણ મુલાકાત કરી. બન્ને મહાનુભાવોએ આ પ્રસંગે ભારત-યુકે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે દ્વિપક્ષી સહયોગની ઉજળી સંભાવના વ્યક્ત કરી હતી. તેમજ આ ક્ષેત્રે નક્કર કામગીરી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હાઇ કમિશનર દોરાઇસ્વામીએ શનિવારનો પ્રારંભ ગુરુદ્વારા શ્રી સિંહ સભાની મુલાકાત સાથે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દોરાઈસ્વામી બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને તેઓ 1992 બેચના ઇંડિયન ફોરેન સર્વીસના અધિકારી છે. તેઓ રાજદ્વારી કારકિર્દી દરમિયાન, યુએનમાં પરમેનન્ટ મિશનમાં, જોહાનિસબર્ગમાં કોન્સ્યુલ જનરલ તરીકે અને વિદેશ મંત્રાલયમાં સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (‘સાર્ક’) અને નોર્ધર્ન અમેરિકન વિભાગના વડા તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમણે બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર તરીકે અને સાઉથ કોરિયા તથા ઉઝબેકિસ્તાનમાં ભારતના રાજદૂત તરીકે મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી છે. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન તેઓ વડા પ્રધાનના કાર્યાલયમાં પણ નિયુક્ત થયા હતા અને વડા પ્રધાન ડો. મનમોહન સિંહના પ્રાઇવેટ
સેક્રેટરી હતા.