લંડનઃ ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર નવતેજ સરનાએ પોર્ટક્યુલિસ હાઉસ ખાતે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFIN) દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારત-યુકે સંબંધોથી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો, લોર્ડ્સ અને અન્ય સભ્યોને માહિતગાર કર્યા હતા. સરનાએ જાન્યુઆરી ૨૦૧૬માં હોદ્દો સંભાળ્યા પછી ૨૯ ફેબ્રુઆરીએ પાર્લામેન્ટમાં CFIN સમક્ષ પ્રથમ સત્તાવાર સંબોધન કર્યું હતું.ભારત-યુકે સંબંધોને ‘વર્તમાન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી આધુનિક ભાગીદારી’ તરીકે ગણાવતા હાઈ કમિશનરે બે દેશ વચ્ચેના દ્વિપક્ષી સંબંધમાં નવેમ્બર ૨૦૧૬માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સફળ યુકે મુલાકાતની પશ્ચાદભૂ સાથે તાજેતરની પ્રગતિથી ઓડિયન્સને માહિતગાર કર્યું હતું. ભારત અને યુકે વચ્ચે પરંપરાગત ગાઢ સંપર્કોની રૂપરેખા આપતા હાઈ કમિશનરે વડા પ્રધાન કેમરન અને અને તેમના કેબિનેટ સાથીઓના ભારત પ્રવાસ અને ભારતીય નેતાઓના વળતા યુકે પ્રવાસથી સંબંધોને વેગ મળ્યો હોવાનું જણાવ્યું હતું.વડા પ્રધાન કેમરનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્વોય તરીકે ભારતની સત્તાવાર મુલાકાત લઈ પરત આવેલા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ અને સાંસદ આલોક શર્માએ કહ્યું હતું કે ભારતની વિકાસગાથા નોંધપાત્ર છે તેમજ ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ યોજનાઓને નાણાસહાય કરવા સહિત સહકારના નવા ક્ષેત્રોમાં ભારત અને યુકે સહકાર સાધી રહ્યા છે.હાઈ કમિશનર નવતેજ સરનાના સંબોધન પછી ભારતીય બજેટ, ભારતીય આધ્યાત્મિકતાના પ્રસાર, જળવાયુ પરિવર્તન, કોન્સ્યુલર બાબતો તથા ભારતના વિકાસમાં ઈન્ડિયન ડાયસ્પોરાની ભાગીદારી સહિતના વિવિધ વિષયો પર પારસ્પરિક ચર્ચાઓ કરાઈ હતી.