લંડનઃ ગત ૨૬ ઓક્ટોબર,૨૦૧૬ના રોજ હિંદુ ફોરમ ઓફ બ્રિટન(HFB) દ્વારા સતત ૧૫મા વર્ષે દિવાળીની ઉજવણી હાઉસ ઓફ કોમન્સમાં કરવામાં આવી હતી. હાઉસ ઓફ કોમન્સનું ટેરેસ પેવિલિયન તેના રોજીંદા દેખાવ કરતાં તદ્ન અલગ જ લાગતું હતું. આ વર્ષના સંસદીય યજમાનોમાં બોબ બ્લેકમેન MP, લોર્ડ ધોળકિયા, વીરેન્દ્ર શર્મા MP, એન્ગસ રોબર્ટસન MP, કેરોલિન લુકાસ MP અને નીજેલ ડોડ્સ OBE MP નો સમાવેશ થતો હતો. આ ઈવેન્ટ કર્મયોગ ફાઉન્ડેશનના સી બી પટેલ અને કાન્તિભાઈ નાગડા, ઈવેન્ટ ગુરુના મિસ્ટર અને મિસિસ સોલંકી, હિંદુ બિઝનેસ અગ્રણીઓ, યોગી ડિવાઈન સોસાયટી અને વાસ્ક્રોફ્ટ ફાઉન્ડેશન દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો.
રંગબેરંગી ઝળહળતા પ્રકાશથી શોભાયમાન પેવિલિયન સંપૂર્ણપણે દિવાળીના રંગે રંગાઈ ગયું હતું. HFBએ આ સતત ૧૫મા વર્ષે પ્રકાશના પર્વની સફળતાપૂર્વક ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગ હવે યુકેમાં દિવાળીની ઉજવણીનું કેન્દ્ર બની ગયું છે. સાંસદો, ઉમરાવો, સરકારની આગલી હરોળના પ્રધાનો તેમજ અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓનું આ પ્રસંગને ખૂબ સમર્થન છે. વધુમાં, આ ઈવેન્ટને મહાનુભાવો, બિઝનેસ અગ્રણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ, મંદિરોના ટ્રસ્ટીઓ અને ધર્મના પ્રતિનિધિઓનો પણ ટેકો છે.
HFBના પ્રેસિડેન્ટ તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે યુકેમાં હિંદુ કોમ્યુનિટી સૌથી સારી રીતે સંગઠિત કોમ્યુનિટીઓ પૈકી એક છે. હિંદુ ધર્મના મૂલ્યો શાશ્વત છે. તેના તમામ ઉપદેશો પ્રેમ, શાંતિ, સચ્ચાઈ, ન્યાય અને સમાનતાને જ પ્રોત્સાહન આપે છે.
કાર્યક્રમનો પ્રારંભ HFBના આધ્યાત્મિક કન્વીનર ગૌરીદાસ પ્રભુજીએ ગાયેલી પ્રાર્થના સાથે થયો હતો. સશસ્ત્ર દળો અને ઈમરજન્સી સર્વિસીસના મૃતકોના માનમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
પરંપરા જાળવીને આ વર્ષે પણ ભારતના કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અને લોર્ડ પોપટે દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોના રાજકારણીઓએ તેમના દિવાળી સંદેશ આપ્યા હતા. પ્રીતિ પટેલ MPએ પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે, ‘HFBએ કોમ્યુનિટી અને પાર્લામેન્ટ બન્ને સાથે સંકલનનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે. હું ટીમ તથા મારી સમગ્ર કોમ્યુનિટીને દિવાળીની શુભેચ્છા પાઠવું છું.’ સાજીદ જાવિદે દિવાળીના પર્વ સાથે સંકળાયેલા તેમના બાળપણના સંભારણા તાજા કર્યા હતા અને જણાવ્યું હતું કે આ સપ્તાહે HFB અને મહેમાનો સાથે પાર્લામેન્ટમાં દિવાળી ઉજવવાનો ખરેખર ખૂબ આનંદ આવ્યો. પ્રકાશનું પર્વ હિંદુ, શીખ અને જૈન ધર્મ દ્વારા આપણા દેશને જે શ્રેષ્ઠ સહયોગ મળ્યો છે તે દર્શાવવાની આપણને સૌને તક પૂરી પાડે છે.
લોર્ડ જીતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે આપણે હિંદુઓના નવા વર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે મારી ખાસ પ્રાર્થના એ છે કે એકતાના જે જુસ્સાથી આજે જુદા જુદા હિંદુ સંગઠનો એક જ છત્ર નીચે ભેગા થયા છે તેને હજુ વધુ મજબૂત બનાવી શકીએ. એકતા જ આપણી તાકાત છે. ભારતના કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે દિવાળી એ અંધકાર પર પ્રકાશના વિજય કરતાં પણ વધારે છે. આપણે જ્ઞાન અને જાગૃતિ દ્વારા સંકુચિતતા અને અજ્ઞાન પર કેવી રીતે વિજય મેળવી શકીએ તેની તેમણે સમજ આપી હતી. લોર્ડ પોપટે બ્રિટિશ ભારતીયો કેવી રીતે એક કોમ્યુનિટી ગ્રૂપ બનાવે છે જે બ્રિટનના જીડીપીમાં માથાદીઠ યોગદાન કરતાં વધુ યોગદાન આપે છે, રાષ્ટ્રીય સ્રોતોનો ખૂબ ઓછો ઉપયોગ કરે છે અને જેલોમાં પણ ખૂબ ઓછી હાજરી હોય છે તે બાબતની યાદ અપાવી હતી. બોબ બ્લેકમેન MPએ વડાપ્રધાન થેરેસા મેનો દિવાળી સંદેશ વાંચી સંભળાવ્યો હતો, જેમાં તેમણે સૌને સુખમય, સમૃદ્ધ અને સ્વાસ્થ્યપૂર્ણ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
હેરોની સાંઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ રજૂ કરેલી વિષ્ણુસ્તુતિ અને વેદિક પ્રાર્થનાઓને લીધે ઉજવણીની શાનમાં વધારો થયો હતો. નૃત્યા રામમોહને પણ સુંદર શાસ્ત્રીય નૃત્ય દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જમ્મુ-કાશમીરના કલાકારોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દર્શકોના મન મોહી લીધા હતા.