લંડનઃ હોલેન્ડથી હાર્વિચ ઈન્ટરનેશનલ પોર્ટ પર વોશિંગ મશીન્સ લઈને આવેલી લોરીઓની તપાસ દરમિયાન બોર્ડર ફોર્સના ઓફિસરોને ૧૫ બાળકો સહિત અફઘાન અને રશિયન ઉપરાંત, વિવિધ રાષ્ટ્રીયતા ધરાવતા ૬૮ શંકાસ્પદ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ મળી આવ્યા હતા. ઈમિગ્રેશન ગુનાસર ચાર પોલિશ લોરી ડ્રાઈવરોની ધરપકડ કરાઈ હતી. બે સગર્ભા સહિત સાત ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાકીના ૬૧ લોકોને યુકે બોર્ડર એજન્સીને સુપરત કરાયા હતા. આ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સમાંથી ૩૫ વ્યક્તિએ યુકેમાં રાજ્યાશ્રય માગ્યો હતો, જ્યારે ૧૫ વ્યક્તિને હદપાર કરી દેવાઈ હતી.
હોમ ઓફિસે સ્પષ્ટતા કરી હતી કે ઈમર્જન્સી સર્વિસિસ દ્વારા આ ઘટના અંગે અગાઉ અપાયેલી માહિતીથી વિપરીત ગેરકાયદે શંકાસ્પદ ઈમિગ્રન્ટ્સ કોઈ કન્ટેનરમાં મળી આવ્યા ન હતા. તેઓ ફેરી પરની લોરીઓમાં ભરાઈ યુકે આવ્યા હતા. વિવિધ રાષ્ટ્રીયતા ધરાવતા શંકાસ્પદ ઈમિગ્રન્ટ્સમાં પુખ્ત વયના ૫૩ લોકો અને ૧૫ બાળકો હતાં. બે સગર્ભા સહિત સાત વ્યક્તિએ પેટ અને છાતીમાં દુઃખાવા તેમજ ગભરામણની ફરિયાદ કર્યા પછી તેમને કોલ્ચેસ્ટર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતાં અને બાકીના ૬૧નું મૂલ્યાંકન ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા કરવામાં આવ્યું હતું.