લંડનઃ હેરોના સંગત એડવાઈસ સેન્ટર હોલ ખાતે રવિવાર, ૧૦મી જુલાઈએ યોજાયેલી હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB)ની AGMમાં પેટ્રન કાઉન્સિલ મેમ્બર્સ સી. બી. પટેલ અને શશી વેકરિયા સહિત વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ શ્રીમતી તૃપ્તિ પટેલના સ્વાગત પ્રવચન બાદ ‘વિચાર મંથન’ના ડો. સચિન નંદાએ હિંદુ કોમ્યુનિટી પર ઈયુ રેફરન્ડમની અસરો વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે મત વ્યક્ત કર્યો હતો કે જેની પાસે આર્થિક સત્તા હોય છે તે જ સાંસ્કૃતિક સત્તા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું, ‘ બ્રિટિશ હિંદુઓ તરીકે પશ્ચિમી સંસ્કૃતિની પ્રશંસા કરવાની અને આપણા સાંસ્કૃતિક વારસા માટે ગૌરવની લાગણી અનુભવવાની આપણામાં ક્ષમતા છે.’
હિંદુ લોયર્સ એસોસિએશનના જયેશ જોટંગીયાએ કાસ્ટ બિલ અને તે વિશે હિંદુ કોમ્યુનિટીના જરૂરી પ્રતિભાવ વિશે વાત કરી હતી. બેઠકમાં હિંદુ ક્રિમેટોરિયમ વિશે તાજી વિગતો રજૂ કરાઈ હતી. ડો. લક્ષ્મી વ્યાસે રિલીજિયસ એજ્યુકેશન કાઉન્સિલ સંબંધિત મહત્ત્વની માહિતી આપી હતી. આ પછી, પ્રમુખે ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટિઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ, નેશનલ ઈન્ટરફેઈથ નેટવર્ક અને ફેઈથ ફોરમની ઉદ્દેશપૂર્ણ પ્રવૃત્તિઓની ટૂંકમાં રૂપરેખા આપી હતી. હરિભાઈ હાલાણીએ વાર્ષિક હિસાબો વાંચી સંભળાવ્યા હતા. હરિભાઈએ દિવાળી કમિટીના ચેરમેન તરીકે પાર્લામેન્ટમાં દિવાળીની ઉજવણી માટે ૨૬મી ઓક્ટોબર,૨ ૦૧૬ની તારીખ નોંધી રાખવા સૌને જણાવ્યું હતું.
આ પછી નિમણુંકો જાહેર કરાઈ હતી. આર્ટ ઓફ લિવિંગના અમિત અગ્રવાલ (વાઈસ પ્રેસિડેન્ટ-લંડન એન્ડ સાઉથ), શ્રીમતી હંસાબેન શુક્લ (વાઈસ પ્રેસિડેન્ટ નોર્થ, HFBના પ્રતિનિધિ), ડો. લક્ષ્મી વ્યાસ (પ્રેસિડેન્ટ-હિંદુ ફોરમ ઓફ યુરોપ), મીસ રાગસુધા વિન્જામુરી (અધ્યક્ષ-પબ્લિક રિલેશન્સ કમિટી), ડો. શિવ પાંડે ચેરમેન- હેલ્થ કમિટી) અને સુમંતરાય દેસાઈ (ચેરમેન- સિનિયર્સ કમિટી) તરીકે નિયુક્ત જાહેર કરાયા હતા.
પ્રીતિ વાર્ષ્ણેય અને મીરા સલાટે ટૂંક સમયમાં યોજાનારા સાંસ્કૃતિક મહોત્સવ ‘રંગીલો ગુજરાત’ વિશે માહિતી આપી હતી. HFBના સભ્યોએ તેમના પ્રયાસોની પ્રશંસા કરીને મદદનું વચન આપ્યું હતું.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી. બી. પટેલે HFBનો ઈતિહાસ અને સિદ્ધિઓ તેમજ તમામ રાષ્ટ્રીય હિંદુ સંસ્થાઓને સંગઠિત કરવા હાથ ધરાયેલી પહેલને વણી લઈને સમાપન પ્રવચન કર્યું હતું.
વાર્ષિક સાધારણ સભાનો આરંભ અને સમાપન ગાયત્રી મંત્રના ગાન સાથે થયું હતું.