હિંદુ સોસાયટીને કોમ્યુનિટી સેન્ટર બનાવવા જમીનના લીઝને મંજૂરી

Wednesday 01st March 2017 07:39 EST
 

મેઈડનહેડઃ કાઉન્સિલ ઓફ રોયલ બરો ઓફ વિન્ડસર એન્ડ મેઈડનહેડે હિંદુ સોસાયટી ઓફ મેઈડનહેડ (HSM)ને હિંદુ કોમ્યુનિટી સેન્ટર ઉભું કરવા ૧૨૫ વર્ષ માટે જમીનના લીઝની મંજૂરી આપી છે. હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ અને તેના મૂલ્યોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મેઈડનહેડમાં કાર્યરત આ ચેરિટીને પ્લાનિંગ પરમિશન મેળવવાની શરતે £૭૩,૦૦૦માં સંમતિ અપાઈ હતી.

હાલ HSMની બેઠક મહિનામાં એક વખત સ્કૂલમાં યોજાય છે અને વર્ષ દરમિયાન તહેવારો ઉજવવામાં આવે છે. તેની વેબસાઈટમાં જણાવાયું છે કે અમે દર વર્ષે બાર ચોક્કસ વિષયવસ્તુ પર આધારિત કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. દરેક કાર્યક્રમમાં સાંસ્કૃતિક બાબત, સામાજિક પ્રવૃત્તિ અને લંચનો સમાવેશ કરાય છે. લોકલ કોમ્યુનિટીમાં અમે હિંદુઓનો સામુહિક અવાજ છીએ અને અમને તમામ ધર્મ પ્રત્યે આદર છે. સંસ્થા દ્વારા ઘણાં લાંબા સમયથી મેઈડનહેડ રિવરસાઈડમાં સેન્ટર બનાવવા માટે લડત ચલાવાતી હતી. સેન્ટરના બિલ્ડીંગને લીધે પાર્કિંગની હાલની તકલીફોમાં વધારો થશે તેમ માનતા સ્થાનિક રહીશો તેનો વિરોધ કરતા હતા. ત્રણ કાઉન્સિલર પૈકી બેના વિરોધ વચ્ચે પણ આ દરખાસ્ત બે તૃતીઆંશ બહુમતીથી પસાર કરાઈ હતી. મેઈડનહેડ રિવરસાઈડનું પ્રતિનિધિત્વ સંભાળતા કાઉન્સિલર લીડર કાઉન્સિલર સાયમન ડુડલીએ HSMના આયોજનને સમર્થન આપ્યું હતું.

એક માળના બિલ્ડીંગમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચલાલવા તેમજ સામાજિક કાર્યક્રમના આયોજન માટે હોલ અને કીચનનો સમાવેશ કરાશે. બિલ્ડીંગમાં ૧૩-૧૬ કાર માટે પાર્કિંગ પણ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter