લંડનઃ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ દ્વારા તેના નવા ઓનલાઈન પોર્ટલ ‘Digital.Bodleian’ પર ૧૯મી સદીના કલક્તામાં ઉદભવેલા ૧૧૦ કાલીઘાટ હિન્દુ દેવ-દેવી પેઈન્ટિંગ્સની ડિજીટલ આવૃત્તિ પોસ્ટ કરવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની બોડલેઈન લાઈબ્રેરીઝ પાસે ૧૧ મિલિયનથી વધુ પ્રિન્ટેડ આઈટેમ્સ, ૮૦,૦૦૦ જેટલા ઈ-જર્નલ્સ તેમ જ અન્ય સ્વરુપની વિવિધ સામગ્રીનો સંગ્રહ છે.
આ પેઈન્ટિંગ્સમાં કૃષ્ણ, શિવ, ગણેશજી, દુર્ગા, પાર્વતી, કાલી, હનુમાનજી વગેરે દેવ-દેવીનો સમાવેશ થાય છે, જે સર મોનીએર મોનીએર-વિલિયમ્સ દ્વારા ૧૮૮૩-૮૪માં ખરીદાયા હતા. તેમાંના ઘણા પેઈન્ટિંગની કિંમત તે સમયે એક આનામાં એકના હિસાબે લાગી હતી. યુનિવર્સલ સોસાઈટી ઓફ હિન્દુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડ (નેવાડા, યુએસ) દ્વારા યુનિવર્સિટીની આ કામગીરીની પ્રશંસા થઈ છે. તેમણે કહ્યું હતું કે હિન્દુઈઝમ અને પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં કાષ્ઠ અને વસ્ત્રો પર હિન્દુ દેવતાઓના ધાર્મિક ચિત્રોની કળા સમૃદ્ધ પરંપરા ધરાવે છે. તેમણે વિશ્વની મુખ્ય લાઈબ્રેરીઓને તેમની પાસેના હિન્દુ કળાસંગ્રહને ડિજીટલ સ્વરુપ આપી ઓનલાઈન પોર્ટલ પર મૂકવા અનુરોધ કર્યો હતો, જેથી સમૃદ્ધ હિન્દુ કળાવારસાનો લાભ સમગ્ર વિશ્વને મળી શકે.