હીથરો નજીક આવેલ અન્સેલ ગાર્ડન સેન્ટર ભયાનક આગમાં ખાખ

Tuesday 22nd November 2016 12:16 EST
 
 

વેસ્ટ લંડનના હીથરો એરપોર્ટ નજીક વેસ્ટ ડ્રાયટનમાં હોલોવે લેન પર આવેલ અન્સેલ ગાર્ડન સેન્ટર તા. ૨૦ નવેમ્બર, રવિવારે સાંજે લાગેલી ભયાનક આગમાં સંપૂર્ણપણે ખાખ થઇ ગયું હતું. આગ એટલી બધી ભયાનક હતી કે એમ-ફોર મોટર-વે પરથી પસાર થતા વાહનોમાંથી આગને પગલે ઉંચે આકાશમાં ઉડતો કાળો ઘટ્ટ ધુમાડો સાફ નજરે પડતો હતો. આગને કાબુમાં લેવા ૧૦૦ કરતા વધારે ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે ધસી ગયા હતા અને મોડેથી આગ પર કાબુ મેળવવામાં સફળતા સાંપડી હતી. અન્સેલ ગાર્ડન સેન્ટરની માલીકી મૂળ ગુજરાતના પોરબંદરના વતની દિલીપભાઇ રાયઠઠ્ઠા અને તેમના ભત્રીજા પરેશભાઇ રાયઠઠ્ઠાની માલીકીની છે.

બનાવની જાણ થતાં જ હીથરો, હેઇઝ, હિલીંગ્ડન, ફેલધામ અને સાઉથોલ ફાયર સ્ટેશનના ૧૫ ફાયર એન્જીન સાથે ૧૦૦ જેટલા ફાયરમેનનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને આગને કાબુમાં લેવા મથામણ શરૂ કરવામાં આવી હતી. લગભગ પાંચેક કલાકની મહેનત બાદ છેક રાત્રે દસેક વાગે આગને કાબુમાં લઇ શકાઇ હતી.

સ્ટેશન મેનેજર સંજય પ્રસાદે જણાવ્યું હતું કે "ફાયર ફાઇટર્સે ખૂબજ જહેમતપૂર્વક કપરી પરિસ્થિતીનો સામનો કરીને આગને કાબુમાં લીધી હતી. સેન્ટરમાં રખાયેલા ઢગલોબંધ ગેસ સિલિન્ડર ફાટે નહિં તે માટે ખાસ કાળજી લેવાઇ હતી અને તેને કારણે જ ૩૦૦ મીટર વિસ્તારને હેઝાર્ડ ઝોન ડિકલેર કરી તેમાં પ્રવેશવા પર પાબંદી ફરમાવાઇ હતી. ગાર્ડન સેન્ટરના ૬ એકર વિસ્તારમાં કેટલેક સ્થળે એક્સપ્લોઝીવ ગેસ સીલીન્ડર રાખેલા હોવાથી આગની ગરમીના કારણે તે સિલિન્ડર ફાટે તેવી શક્યતાને લક્ષમાં લઇને ફાયર ફાઇટર્સે ભગીરથ કાર્ય હાથ ધરીને ગેસ સીલીન્ડર્સને સુરક્ષીત સ્થળે ખસેડી દીધા હતા. જ્યારે જે સીલીન્ડરને ખાસેડી શકાય તેમ નહોતા તેના પર સતત ઠંડુ પાણી છાંટવામાં આવતું હતું. આગને કાબુમાં લેવા બે એરીયલ લેડર પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો હતો.”

શ્રી પ્રદસાદે જણાવ્યું હતું કે આગને કારણે ગાર્ડન સેન્ટરના મોટાભાગના બિલ્ડીંગને ખૂબજ વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું પરંતુ સદનસીબે ફાયરફાઇટર્સે આગને કાબુમાં લઇને વધુ નુકશાન થતું અટકાવ્યું હતું. આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી.”

સેન્ટરના પાર્ટનર દિલીપભાઇ અને પરેશભાઇ રાયઠઠ્ઠાએ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે "તા. ૨૦મી નવેમ્બર રવિવારના રોજ બપોરે ૪-૩૦ પહેલા અચાનક આગે દેખા દીધી હતી અને થોડાક જ સમયમાં અન્સેલ ગાર્ડન સેન્ટરના બે માળના મકાનને પોતાના ભરડામાં લઇ લીધું હતું. આગ લાગી હોવાની જાણ થતાં જ સેન્ટરના સ્ટાફ તેમજ ગ્રાહકોને સુરક્ષીત રીતે બહાર મોકલી દેવાયા હતા અને ઘટના અંગે ફાયર બ્રિગેડ તેમજ પોલિસને જાણ કરાઇ હતી. આગ કયા કારણે લાગી તે હજુ અમે જાણી શક્યા નથી અને સદનસીબે કોઇને જાનહાની થઇ નથી. આગ ખુબજ ભયાનક હતી અને ૬ એકરમાં પથરાયેલ સેન્ટર અને તેના મકાન તારાજ થઇ ગયું હતું. અમે આ સેન્ટર ૨૦૦૪થી ચલાવીએ છીએ. અમને ફાયર બ્રિગેડ,પોલીસ સ્ટાફ તેમજ અમારા વિસ્તારના સ્થાનિક લોકોનો ખૂબજ સહકાર મળ્યો હતો જેમના અમે આભારી છીએ.”

આગને પગલે હોલોવે લેન પર બન્ને તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો હતો. મેટ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી ગયો હતો. હીથરો એરપોર્ટ અોથોરીટીએ ભયાનક આગને કારણે કોઇજ ફ્લાઇટને અસર થઇ ન હોવાનું જણાવ્યું હતું. દુર સુદુરથી દેખાતા કાળા ઘાટા ધુમાડાઅો જોઇને ફેસબુક ટ્વીટર્સ અને સોસ્યલ મિડીયા પર લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. બનાવને પગલે ઇમરજન્સી સેવા ૯૯૯ ઉપર આશરે ૨૦ જેટલા લોકોએ ફોન કરીને જાણ કરી હતી. આગનું કારણ જાણવા તપાસ ચાલુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter