લંડનઃ બ્રિટનમાં ચારમાંથી એક મુસ્લિમ શાર્લી હેબ્દો હુમલાઓ માટે જવાબદાર ત્રાસવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવે છે. એક નવા અભ્યાસમાં ૨૭ ટકા બ્રિટિશ મુસ્લિમોએ જણાવ્યું હતું કે તેઓ પેરિસના શાર્લી હેબ્દો મેગેઝિન પર હુમલાના હેતુ માટે કેટલીક સહાનુભૂતિ રાખે છે.
વધુ ૩૨ ટકાએ મત દર્શાવ્યો હતો કે તેમને હુમલાથી કોઈ આશ્ચર્ય થયું નથી, જ્યારે ૧૧ ટકાએ કહ્યું હતું કે મોહમ્મદ પયગમ્બરની છબી પ્રસિદ્ધ કરનારા મેગેઝિન્સ હુમલાને લાયક જ છે. માત્ર ૬૮ બ્રિટિશ મુસ્લિમોએ આ હુમલો વાજબી ન હોવાનું જણાવ્યું હતુ, જ્યારે ૨૪ ટકાએ અસહમતિ દર્શાવી હતી. દરમિયાન, ૯૩ ટકા મુસ્લિમોએ બ્રિટિશ કાયદાનું પાલન થવું જ જોઈએ તેમ જણાવ્યું હતુ. જોકે, ૪૬ ટકાએ એમ કહ્યું હતું કે બ્રિટિશરોમાં મુસ્લિમો તરફ સહિષ્ણુતા ઘટી છે અને ઈસ્લામ પ્રત્યે પૂર્વગ્રહ વધ્યો છે. આના પરિણામે બ્રિટનમાં મુસ્લિમ હોવું વધુ મુશ્કેલ બન્યું છે.