લંડનઃ હેમેલ હેમ્પસ્ટેડ લિબરલ ડેમોક્રેટ્સ દ્વારા આગામી સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે બિઝનેસ કન્સલ્ટન્ટ અને માનવ અધિકાર કેમ્પેનર રબિ માર્ટિન્સની પસંદગી કરી છે. તેઓ માઈક પેનિંગને પડકાર આપશે. રબિ નેશનલ પાર્ટીમાં અગ્રસ્તાન ધરાવે છે અને તેમણે પક્ષની ફેડરલ પોલિસી કમિટી તેમ જ ઈન્ટરનેશનલ રીલેશન્સ કમિટીમાં સેવા આપી છે. તેઓ પક્ષના પૂર્વ કેન્દ્રીય ચીફ એક્ઝીક્યુટિવ લોર્ડ ક્રિસ ફોક્સના પૂર્વ સલાહકાર પણ છે.
નિવૃત્ત બિઝનેસ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ માર્ટિન્સ નવા એન્ટરપ્રાઈઝીસને શરૂ કરવામાં તેમ જ તેમને સપોર્ટ કરવામાં નિષ્ણાત છે. તેમણે અગાઉ, મલ્ટિનેશનલ કંપની સાથે કામ કરવા ઉપરાંત, SMEના ડિરેક્ટર તરીકે પણ કામગીરી કરી છે.
પોતાની પસંદગી પછી રબિએ જણાવ્યું હતું કે હેમેલ હેમ્પસ્ટેડ મતવિસ્તારના લિબરલ ડેમોક્રેટ્સ ઉમેદવાર તરીકે પસંદગી કરાયાથી તેઓ ગૌરવ અનુભવે છે. ટાઉન અને આસપાસના ગામોનું સંયોજન આ મતવિસ્તારને વિશિષ્ટ લાક્ષણિકતા આપે છે, જેની ગર્ભિત ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ તમામ નિવાસીઓનાં લાભમાં કરાયો નથી. પોતાના લોકેશન અને શ્રેષ્ઠ પરિવહન સંપર્કો સાથે હેમેલ હેમ્પસ્ટેડ ઉચ્ચ કક્ષાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષી શકે છે. પરંતુ મારા મત અનુસાર તે પડોશી ટાઉન્સની પાછળ રહે છે. આમ થવાનું કારણ શોધવાનો મારો ઈરાદો છે અને આ મતવિસ્તારને હાઈટેક અને હાઈ વેલ્યુ કંપનીઓ માટે પસંદગીનું લક્ષ્યસ્થળ બનાવવામાં હું શક્ય તમામ મદદ કરીશ. આ ઉપરાંત, વેસ્ટ હર્ટ્સ હોસ્પિટલ ટ્રસ્ટ પાસેથી સ્થાનિક હોસ્પિટલ સેવાઓના ભાવિ બાબતે કેટલીક સ્પષ્ટતાઓ પણ માગવા ઈચ્છું છું.