લંડનઃ તમામ જૈન સંસ્થાઓએ પહેલી મે ૨૦૧૬ના દિવસે હેરોમાં ભગવાન મહાવીરના જન્મદિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં આશરે ૭૫૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બે મહાનુભાવો-ડેરીલ કનિંગહામ અને રોજર સ્વેઈનને મહાવીર એવોર્ડ્સ એનાયત કરાયા હતા. આ લોકો લીગ અગેઈન્સ્ટ ક્રુઅલ સ્પોર્ટ્સ વતી વરુના ગેરકાયદે શિકાર પર નજર રાખી રહ્યા હતા ત્યારે તેમના પર જંગલી હુમલા કરાયા હતા.
ડેરીલ કનિંગહામને ગરદનમાં કરોડના મણકાનું ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા, જ્યારે રોજર સ્વેઈનને પણ ઈજા પહોંચી હતી. ડો. મુકુલ શાહ અને ડો. ફ્રેયા શાહ તથા અનુભાઈ અને તારાબહેન શાહ દ્વારા એવોર્ડ અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. પ્રશસ્તિપત્રમાં બન્ને મહાનુભાવોને બિરદાવતા જણાવાયું હતું કે,‘લેસ્ટરશાયરમાં વરુના ગેરકાયદે શિકાર પર નજર રાખવા દરમિયાન તમારા પર ક્રુરતાપૂર્ણ હુમલો કરાયો હતો. પોતાના રક્ષણ માટે અસમર્થ પ્રાણીઓના બચાવ માટે તમે દર્શાવેલી બહાદુરી અને અનુકંપા ઉદાહરણીય છે. અમે તમારા કાર્યને ‘અભય દાન’ કહીએ છીએ, જેનો અર્થ કોઈને મૃત્યુના ડરથી બચાવવાનો થાય છે. આગામી પેઢીઓને તમારાથી પ્રેરણા પ્રાપ્ત થશે. અમે તમને સલામ કરીએ છીએ.’