લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા હેરો કાઉન્સિલમાં 16 વર્ષમાં પ્રથમ વખત હાંસલ કરાયેલા વિજયને વધાવી લીધો છે. સ્થાનિક ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ આશરે 500 બેઠકો ગુમાવી છે ત્યારે હેરોએ રાષ્ટ્રીય પ્રવાહને ઉલટાવી નાખી 55 બેઠકમાંથી 31 પર વિજય હાંસલ કર્યો છે.
યુકેમાં હેરો સૌથી વૈવિધ્યપૂર્ણ બરોઝમાં એક છે. અહીં ઓછામાં ઓછી 88 ભાષા બોલાય છે અને સૌથી સામાન્યપણે બોલાતી ભાષાઓમાં ગુજરાતી બીજા ક્રમે છે. વિજયમાં સૌથી વધુ યોગદાન આપનારા પરિબળોમાં હેરોની વિવિધ કોમ્યુનિટીઓ સાથેનો સંપર્ક મુખ્ય અને ચાવીરુપ પરિબળ છે. કાઉન્સિલના નવા લીડર પૌલ ઓસ્બોર્ને ‘રહેવાસીઓને પ્રથમ સ્થાન આપી બરોની ડાઈવર્સિટીની તાકાતને પીછાણી હતી તેથી જ અમે ઈલેક્શન જીત્યા છીએ.’
કન્ઝર્વેટીવ્ઝ તરફનો ઝોક સંભવિતપણે બ્રિટિશ ભારતીય મતદારોમાં કન્ઝર્વેટીવ પાર્ટી પ્રત્યે આસ્થા રાખી પેઢીગત બદલાવનું પ્રતિબિંબ દર્શાવે છે. એપ્રિલ 2022માં બોરિસ જ્હોન્સનની ગુજરાતની મુલાકાત બ્રિટિશ ભારતીય અને ગુજરાતી ડાયસ્પોરાની બ્રિટિશ અર્થતંત્ર પરની અસરના મહત્ત્વને દર્શાવનારી બની રહી હતી.
હવે હેરોમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 12 બ્રિટિશ ભારતીય કાઉન્સિલર છે જે દેશમાં સૌથી વધુ છે. કાઉન્સિલર મીના પરમાર બેલમોન્ટ વોર્ડમાંથી સતત ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા છે. કેન્યામાં જન્મેલાં અને ભારતીય મૂળનાં કાઉન્સિલર મીનાબહેન પરમારે જણાવ્યું હતું કે,‘ જ્યાં હું છેલ્લાં 40 વર્ષથી રહી છું ત્યાં કોમ્યુનિટીના રહેવાસીઓની સેવા કરવાનું આ મહાન ગૌરવ છે. મને મારી ભૂમિકાનો ગર્વ છે અને રહેવાસીઓ સાથે જીવંત સંપર્ક રાખવામાં ઉત્સાહી છું જેથી અમે હેરોમાં સુધારા લાવી શકીએ અને અમારા વચનોની પરિપૂર્તિ કરી શકીએ.’
કન્ઝર્વેટિવ પાર્ટીએ કેન્ટન ઈસ્ટની તમામ ત્રણ બેઠક અને કેન્ટન વેસ્ટની બે બેઠક પર વિજય મેળવ્યો છે. કેન્ટન ઈસ્ટમાં 2017ની પેટાચૂંટણી યોજાઈ ત્યાં સુધી તે લેબર પાર્ટીનો ગઢ હતો. કાઉન્સિલર નિતેશ હીરાણી પોતાની બહુમતી વધારી બેઠકને મજબૂત બનાવી છે અને લેબર પાર્ટીને દૂરના ચોથા સ્થાને ધકેલી દીધી છે.
સાંસદ બોબ બ્લેકમેન 2010થી હેરો ઈસ્ટના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા છે અને બ્રિટિશ ભારતીયો માટે મજબૂત અવાજના હિમાયતી બની રહ્યા છે. ભારતીય ડાયસ્પોરાને સપોર્ટ કરવાના તેમના કાર્યની કદર સ્વરૂપે ભારતના રાષ્ટ્રપતિએ તેમને 2020માં પદ્મશ્રી ખિતાબથી સન્માનિત કર્યા છે.
નવી કાઉન્સિલ ટીમના સીનિયર મેમ્બર કાઉન્સિલર મીના પરમારે એમ પણ જણાવ્યું હતું કે,‘ હવે હેરો પાસે નવી કન્ઝર્વેટિવ નેતાગીરી હેઠળ આપણા સ્થાનિક રહેવાસીઓ માટે સેવાઓમાં બદલાવની તક છે. હવે સખત મહેનતની કામગીરી શરૂ થાય છે પરંતુ, કામગીરીના આરંભ માટે હું રાહ જોઈ શકું તેમ નથી.’