લંડનઃ હેરોના નોર્થોલ્ટ રોડ પર ગત ૧૮ નવેમ્બરે કેબાબીશ ટેકઅવે પાસેથી સાયકલ પર જતા એજવેરના ૧૯ વર્ષીય હુસૈન એહમદ પર હુમલો થયો હતો. હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર બાદ લાઈફ સપોર્ટ સિસ્ટમ ખસેડી લેવાતા તેનું મૃત્યુ થયું હતુ. અગાઉ ચાર લોકોની ધરપકડ પછી પોલીસે વધુ બે ટીનેજરોની ધરપકડ કરતા આ ઘટનામાં કુલ છ લોકોની ધરપકડ કરાઈ છે.
પોલીસના માનવા મુજબ ટીનેજરો અથવા લગભગ ૨૦ વર્ષીય અશ્વેતોની ટોળકીએ હુસૈનનું સ્ટેબિંગ કર્યાનું મનાય છે. અગાઉ, ૧૪, ૧૫ અને ૧૭ની વયના ત્રણ ટીનેજર અને ૨૩ વર્ષની એક વ્યક્તિની હત્યાના પ્રયાસના આરોપસર ૨૧ નવેમ્બરે ધરપકડ કરાઈ હતી. ડિસેમ્બરની શરૂઆતમાં પાછા આવવાની શરતે આ તમામને જામીન અપાયા હતા.
મેટના હોમીસાઈડ એન્ડ મેજર ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર ટીમ ડફીલ્ડે જણાવ્યું હતું, ‘ લંડનના ભરચક વિસ્તારમાં ઘણા લોકોએ ઘટના જોઈ જ હશે. તેઓ કોમ્યુનિટીના લોકોની સલામતી માટે લોકોની મદદ પર વધુ આધાર રાખે છે. આ ઘટના વખતે હાજર લોકો સાથે વાત કરવા તેઓ આતુર છે. તેમની માહિતી ગુપ્ત રખાશે.’