બ્રિટન: બ્રિટનની હોસ્પિટલોમાં દાખલ થયેલા સૈનિકો પોતાના સ્વજનો પછી જો કોઇની રાહ જોતા હોય તો તે ‘કેક લેડી’ છે. ૫૯ વર્ષનાં કેથ રેયાન પોતાના હાથે બનાવેલી કેક લઇને હોસ્પિટલમાં લઇ જાય છે અને ઘાયલ સૈનિકો સાથે મળીને કેક કાપે છે. છેલ્લા ૧૧ વર્ષની આ સિલસિલો સતત ચાલુ છે. આથી જ સૈનિકોએ રિટાયર્ડ નર્સ રેયાનને નામ આપ્યું છે ‘કેક લેડી’. કેથ રેયાન બ્રિટનની હોસ્પિટલોમાં અત્યાર સુધી ૧૨૬૦ વિઝિટ કરી ચૂક્યાં છે અને આ દરમિયાન કેકની ૧૦ લાખથી વધુ સ્લાઇસ કે પેસ્ટ્રીઝ ખવડાવી ચૂક્યાં છે.
આની શરૂઆત ૨૦૦૯માં થઇ હતી. જ્યારે રેયાન પોતાની બીમાર બહેન માટે હોસ્પિટલમાં કેક લઇને પહોંચ્યા હતા. એ જ હોસ્પિટલમાં દાખલ સૈનિકો દુઃખાવાથી પીડાતા હતા અને કેકનો એક ટુડકો તેમની ખુશીનું કારણ બની ગયો હતો. બીજા જ દિવસે કેથ રેયાન ૩૫ સૈનિકો માટે કેક લઇને પહોંચી ગયાં. હવે તો સમગ્ર બ્રિટનના સૈનિકો તેમની પાસે કેકની માગ કરે છે. સ્વાભાવિક છે કે કેથ રેયાન બધાની માગ પુરી કરી શકતાં નથી, એટલે તેમણે એક વેબસાઇટ અને સોશિયલ મીડિયા પેજ ‘Cakes 4 Casualties’ બનાવ્યું છે.
રેયાન અપરિણીત છે એટલે તેનો કોઇ પરિવાર પણ નથી. જોકે હવે સૈનિકો સાજા થયા પછી તેમને પોતાના પારિવારિક કાર્યક્રમોમાં પણ બોલાવે છે અને ભેટ પણ મોકલે છે. સૈનિકો તેમના ઘરના નાના-મોટા કામની સાથે બગીચાની સારસંભાળ પણ કરી આપે છે. કેથ રેયાન ચેરિટી દ્વારા હવે પોતાનું કામ આગળ ધપાવી રહ્યાં છે.