લંડનઃ ક્રોયડનની વ્હીટગીફ્ટ સ્કૂલના યર 6માં અભ્યાસ કરતા ૧૧ વર્ષીય ઈશ્વર શર્માને કોરોના મહામારી દરમિયાન ચેરિટેબલ કામગીરી કરવા બદલ ૧ જૂને વડા પ્રધાન બોરિસ જહોન્સનનો ડેઈલી પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ મળ્યો હતો.
ઈશ્વર શર્માને પાઠવેલા અંગત પત્રમાં વડા પ્રધાન બોરિસ જહોન્સને જણાવ્યું હતું,' આપે લોકડાઉન દરમિયાન દુનિયાના સેંકડો બાળકોને યોગનો આનંદ કરાવ્યો હતો. આપ જે પ્રવૃત્તિનો આનંદ માણો છો તે વિશેષ જરૂરિયાતવાળા બાળકો કેવી રીતે લઈ શકે અને તેમાં નિપુણ થઈ શકે તે દર્શાવવામાં મદદ કરી તે વિશે સાંભળીને મને પ્રેરણા મળી છે.
ત્રણ વખત યોગ ચેમ્પિયન રહી ચૂકેલા ઈશ્વરે દુનિયાભરના બાળકો અને વયસ્કો માટે લોકડાઉન દરમિયાન કોવિડ મહામારીનો સામનો કરવામાં મદદરૂપ થવા માટે મફત ઓનલાઈન યોગ ક્લાસ શરૂ કર્યા હતા. આ ક્લાસીસનો ઉદ્દેશ શારીરિક અને માનસિક શક્તિ વિક્સાવવાની સાથે ખાસ કરીને બાળકોને માનસિક દબાણમાંથી મુક્તિ મેળવવા સક્ષમ બનાવવાનો હતો.ઈશ્વરે પોતાની સમસ્યાઓનો સામનો કરવાની સાથે સ્પેશિયલ નીડ્ઝ બાળકો માટે ખાસ ક્લાસીસ યોજ્યા હતા. ૧૪ દેશના બાળકો અને વયસ્કોએ આ ક્લાસીસમાં ભાગ લીધો હતો.
પોતે રહેતા હોય તે વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરતી વિશિષ્ટ વ્યક્તિઓને બીરદાવવા માટે વડા પ્રધાનનો યુકે ડેઈલી પોઈન્ટ્સ ઓફ લાઈફ એવોર્ડ એપ્રિલ ૨૦૧૪માં શરૂ કરાયો હતો. ઈશ્વર શર્મા આ એવોર્ડ મેળવનાર ૧૬૪૬મી વ્યક્તિ છે.
વડા પ્રધાનની જાહેરાતની પ્રતિક્રિયામાં ઈશ્વર શર્માએ જણાવ્યું હતું,‘ આ એવોર્ડ મળવાથી હું ખૂબ આનંદ અને માનની લાગણી અનુભવું છું. મારા પ્રયાસોની કદર કરવા બદલ હું વડા પ્રધાનનો આભાર માનું છું. મહામારીને લીધે બાળકોમાં સ્વાસ્થ્યને લગતી અકલ્પનીય સમસ્યાઓ ઉભી થઈ હતી. હું માનું છું કે આ કદર એક શિસ્ત તરીકે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવી રાખતા યોગની છે. આ એવોર્ડથી યોગનો સંદેશ દુનિયાભરમાં ફેલાવવાનું ચાલુ રાખવા માટે મને પ્રોત્સાહન મળ્યું છે. મને આશા છે કે ભવિષ્યમાં યોગ અને ધ્યાનનો નેશનલ સ્કૂલના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.’