લંડનઃ મેથ્યુ સેમ્યુઅલ્સે ડેટિંગ વેબસાઈટના ઉપયોગથી ચાર વર્ષના ગાળામાં ૧૧ ધનવાન અને એકલવાયી મહિલાઓ સાથે ઠગાઈ કરી £૧૮૦,૦૦૦થી વધુ રકમ પડાવી હોવાનો આક્ષેપ કરાયો છે. તેણે યુકેના સૌથી ધનવાન લોકોમાંના એક હોવાની છબી ઉપસાવી હતી. તે ભાડે કરેલી મોંઘી કારમાં આ સ્ત્રીઓ સાથે ડેટિંગ કરવા આવતો હતો અને ભભકાદાર જીવનશૈલી માટે તેમના નાણાનો ઉપયોગ કરતો કરતો હતો.વર્સેસ્ટર ક્રાઉન કોર્ટની જ્યુરી સમક્ષ રજૂઆત કરાઈ હતી કે ૫૦ વર્ષીય મેથ્યુ ૧૪ સંતાનનો પિતા હતો. તે ઈન્ટરનેટ સાઈટ્સ પરથી પોતાના શિકારની ભાળ મેળવતો હતો. મોટા ભાગે ડાઈવોર્સી અથવા ખરાબ લગ્નજીવનમાંથી પસાર થતી સ્ત્રીઓને શિકાર બનાવી તેમને આંજી દેવાનો પ્રયાસ કરતો હતો. તેણે મોટા ફૂટબોલર્સને મિલકતો ભાડે આપી છે અથવા ટેનિસ ખેલાડીઓ સાથે સારા સંબંધો હોવાની મોટી વાતો પણ કરી હતી. તેની એક શિકાર તો વેસ્ટ મેર્સિયા પોલીસની ડિટેક્ટિવ નિકોલા બુલ પણ હતી.સ્ત્રીઓનો વિશ્વાસ જીત્યા પછી તેમની સામે દુખડાં રોતો અને નાણા ઉધાર માગતો હતો. તેણે એક ધનવાન મહિલા પાસેથી £૧૧૦,૦૦૦ પડાવ્યા હતા અને તેમાંથી એશ્ટન માર્ટિન સ્પોર્ટ્સ કાર અને બેન્ટલી કાર ખરીદી હતી. નાણા પરત માગવામાં આવે ત્યારે તેને કેન્સર થયાની કે તેના પુત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની વાતો ઉભી કરતો હતો. સપ્ટેમ્બર ૨૦૧૪માં મેથ્યુની ધરપકડ કરાઈ હતી. ટ્રાયલ હજુ ચાલી રહી છે.