લંડનઃ હાઉસ ઓફ કોમન્સ ખાતે ગુરુવાર, ૯ જુલાઈના દિવસે આયોજિત કાર્યક્રમમાં ૧૫મા ફાઈનાન્સ, બિઝનેસ એન્ડ ઈન્સ્યુરન્સ (FBI) મેગેઝિનનું સત્તાવાર વિમોચન કરવામાં આવ્યું હતું. ટ્યુબની હડતાળ હોવાં છતાં આ કાર્યક્રમને ભવ્ય સફળતા સાંપડી હતી. એશિયન કોમ્યુનિટીની જરુરિયાતો અનુસારના ફાઈનાન્સ અને બિઝનેસ સંબંધિત વિશિષ્ટ પ્રકાશન તરીકે માન્યતા ધરાવતા FBI સ્પેશિયલ ઈસ્યુમાં વિવિધ પ્રકારની ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ અને સેવાઓને આવરી લેવાઈ છે.
આ કાર્યક્રમમાં ગુજરાત સમાચાર/એશિયન વોઈસના તંત્રી/ પ્રકાશક સી.બી.પટેલ, સાંસદ કિથ વાઝ, બેન્ક ઓફ બરોડા યુકેના ડેપ્યુટી ચીફ એક્ઝીક્યુટિવ મિ. પી.જે. ભાલિયા ઉપસ્થિત હતા. બેન્ક ઓફ બરોડા યુકે FBI ઈવેન્ટના સ્પોન્સર્સ હતા. સમગ્ર લંડનને આવરી લેતી ટ્યુબ હડતાળના કારણે ધારણાથી વિપરીત લોકોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. ટ્યુબ સ્ટ્રાઈક અને લંડનના અરાજક ટ્રાફિક છતાં ધેર્યવાન મહેમાનોએ મેગેઝિનના લોન્ચિંગને સફળ બનાવવામાં કોઈ કસર છોડી ન હતી. કિથ વાઝે તો રમૂજમાં કહ્યું હતું કે, ‘સૌ પહેલા તો આજે હડતાળિયાઓને પછાડી અમારી સાથે હાજર રહેવા બદલ હું આપ સહુને અભિનંદન પાઠવી શકું?’
મેગેઝિનના વિમોચનમાં ઉપસ્થિતો વિશે બોલતા કિથ વાઝે કહ્યું હતું કે,‘આજે આપ સહુની વચ્ચે ઉભરતાં સિતારાઓ છે, પ્રકાશમાન સિતારાઓ છે... આપણા દેશનું સંચાલન ચાલી રહ્યું છે તે દિશામાં તમારામાં દરેકે જોરદાર ફાળો આપ્યો છે અને તમારા વિવિધ બિઝનેસીસ મારફત તમે બધાં જ વિશિષ્ટ પ્રદાન કરી રહ્યા છો.’
સી.બી.પટેલે એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડને સાથ-સહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બેન્ક ઓફ બરોડા સાથે પોતાના સંગાથ તેમજ યુકેના અર્થતંત્રમાં તેમના પ્રદાનની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘૧૯૫૪માં હું ૧૭ વર્ષનો હતો ત્યારે મારું સૌપ્રથમ બેન્ક એકાઉન્ટ મેં બેન્ક ઓફ બરોડામાં જ ખોલાવ્યું હતું.’
મિ. ભાલિયાએ બેન્ક ઓફ બરોડા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘બેન્ક ઓફ બરોડા ભારતમાં બીજા ક્રમની સૌથી મોટી બેન્ક છે અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પ્રથમ સ્થાને છે.... અમારો સતત પ્રયાસ એવો જ રહે છે કે ગ્રાહકને માત્ર સંતોષ મળવો જોઈએ એટલું જ નહિ, અમારે ગ્રાહકની ખુશી પણ જોઈએ છે. માત્ર ખુશી પણ નહિ, અમે તો ઈચ્છીએ છીએ કે ગ્રાહક હસતો રહેવો જોઈએ અને અમારી સાથે તેમનો પણ વિકાસ થવો જોઈએ.’
મિ. ભાલિયાએ સી.બી.પટેલ અને તેમની ટીમનો તેમજ ઈવેન્ટને સફળ બનાવનારા તમામનો આભાર માન્યો હતો.