લંડન,ઇસ્તંબુલઃ ૧૮ તરુણી સહિત ૬૦ બ્રિટિશ સ્ત્રીઓ ત્રાસવાદી સંગઠન ISISમાં જોડાવાં સીરિયા પહોંચી હોવાનો દાવો બ્રિટનની ત્રાસવાદ-વિરોધી પોલીસના અધિકારીએ કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેમણે એવો ઘટસ્ફોટ પણ કર્યો હતો કે ૧૮ તરુણીઓ પૈકી પાંચ તો ૧૫-૧૬ વર્ષની જ છે.
બીજી તરફ, આઇએસઆઇએસમાં જોડાવા ગત મહિને ઘરેથી ભાગીને તુર્કીના ઇસ્તંબુલની ફ્લાઇટ પકડનારી ત્રણ બ્રિટિશ તરુણીના સીસીટીવી ફૂટેજ ઇસ્તંબુલના એક બસ સ્ટેશનથી મળી આવ્યા છે. આ તરુણીઓ શમીમા બેગમ (૧૫), અમીરા અબ્બાસ (૧૫) અને કદીઝા સુલ્તાના (૧૬) તરીકે ઓળખાઇ છે. તેમણે ગત ૧૭ ફેબ્રુઆરીએ બ્રિટનના ગેટવિક એરપોર્ટથી તુર્કિશ એરલાઇનની ફ્લાઇટ પકડી હતી.
ઇસ્ટ લંડનની બેથ્નલ ગ્રીન એકેડમીમાં ભણતી ત્રણેય તરુણીએ ૧૭ ફેબ્રુઆરીની રાત્રે સ્થાનિક સમય ૮.૨૭ કલાકથી ૧૮ ફેબ્રુઆરીએ બપોરે ૧.૨૨ સુધીના ૧૮ કલાક દરમિયાન ઇસ્તંબુલના બેયરામપાસા બસ સ્ટેશનમાં બસની રાહ જોઇ હતી. બરફવર્ષા વચ્ચે હૂડેડ વિન્ટર કોટ પહેરીને બસની રાહ જોતી ત્રણેય તરુણીઓ બસ સ્ટેશનના પાંચ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. તેના એક સપ્તાહ બાદ ૨૪ ફેબ્રુઆરીએ સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે આ તરુણીઓ કિલિસ બોર્ડર ક્રોસિંગ નજીકથી સીરિયામાં ઘૂસી ચૂકી હોવાનું મનાય છે.