લંડનઃ બ્રિટનમાં ૧૯૯૭ પછી સર્જાયેલા ૬૬ ટકા નવા ઘર કે પરિવારના વડા તરીકે વિદેશમાં જન્મેલી વ્યક્તિ હોવાનું સત્તાવાર ડેટા જણાવે છે. નેશનલ સર્વે આધારિત અભ્યાસમાં માઈગ્રેશન વોચ દ્વારા જણાવાયું છે કે ૧૯૯૭ પછી દેશમાં ૨.૭ મિલિયન પરિવાર રચાયા છે, જેમાંથી આશરે ૧.૮ મિલિયન કુટુંબોનું વડપણ યુકે બહાર જન્મેલી વ્યક્તિ સંભાળે છે. કડક ઈમિગ્રેશ નિયંત્રણોની હિમાયત કરતી માઈગ્રેશન વોચ સંસ્થા કહે છે કે હાઉસિંગ માર્કેટ પરનું મુખ્ય દબાણ ઈમિગ્રેશનના કારણે ઉદ્ભવ્યું છે.
સંસ્થાના ચેરમેન લોર્ડ ગ્રીન ઓફ ડેડિંગ્ટને જણાવ્યું હતું કે ‘સમગ્ર દેશની કોમ્યુનિટિઝને નવા હાઉસિંગ ડેવલપમેન્ટ્સને સ્વીકારી લેવાં જણાવાય છે. જોકે, દેશમાં મોટા ભાગના વધારાના પરિવારો ઈમિગ્રેશનનું પરિણામ હોવાની વાત તેમને કહેવાતી નથી. આપણે હાલ હાઉસિંગની તીવ્ર અછતનો સામનો કરી રહ્યાં છીએ તે ઘટાડવા માટે ઈમિગ્રેશનમાં મોટા પાયે ઘટાડો જરૂરી હોવાનું દેખાય છે.’ તેમણે સરકારને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની હાઉસિંગની માગણી પર ઈમિગ્રેશનની અસરનો સત્તાવાર અંદાજ પ્રસિદ્ધ કરવા જણાવ્યું હતું.
માઈગ્રેશન વોચનો રિપોર્ટ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા લેબર ફોર્સ સર્વેનાં આંકડા પર આધારિત છે. ૧૯૯૭માં જન્મસ્થળનો ડેટા હોય તેવા ૨૪ મિલિયન જેટલાં જ પરિવાર હતાં, જેમાંથી ૧.૯૮ મિલિયન પરિવારના વડા વિદેશમાં જન્મેલા હતા. હવે ૨૦૧૪ના ડેટામાં પરિવારોની સંખ્યા વધીને ૨૬.૫ મિલિયન થઈ છે અને વડા વિદેશમાં જન્મેલા હોય તેવા પરિવારની સંખ્યા ૩.૭૩ મિલિયન છે. ૧૯૯૬ પછી દર વર્ષે નવા સરેરાશ ૧૮૦,૦૦૦ મકાન બંધાયા છે.