લંડનઃ રાજધાનીમાં ૨૪ કલાક ટ્યૂબ ટ્રેનસેવા પૂરી પાડવાની યોજના આવતા વર્ષ સુધી તો ખોરંભે પડી છે. યુનિયનો અને મેનેજમેન્ટ વચ્ચે રોસ્ટર્સ અને વેતન વિશે સમજૂતી નહિ સધાતા મેયર બોરિસ જેહોન્સનના સ્વપ્નને ભારે ફટકો વાગ્યો છે. ૨૪ કલાક ટ્યૂબ ટ્રેનસેવા ગયા મહિનાથી પાંચ લાઈન્સમાં વીકએન્ડ્સ માટે શરૂ કરાવાની હતી.
યુનિયનોએ જણાવ્યું હતું કે સ્ટાફે વધારાના થોડાં પગાર માટે એકસ્ટ્રા નાઈટ શિફ્ટ્સમાં કામ કરવાની ફરજ પડે છે. લંડન અન્ડરગ્રાઉન્ડના ૩,૫૦૦ ડ્રાઈવર્સમાં બહુમતીનું પ્રતિનિધિત્વ કરતા યુનિયને સ્પષ્ટ કર્યું હતું કે રાજધાનીમાં ઓલ નાઈટ ટ્રેનસેવા ક્રિસમસ અગાઉ તો શરૂ કરી શકાશે નહિ. લંડન અન્ડરગ્રાઉન્ડે જણાવ્યું હતું કે યુનિયનોએ ટ્રેન ડ્રાઈવર્સ માટે ચાર દિવસના સપ્તાહની માગણી મૂકતાં મંત્રણા અટકી હતી.
ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા નવેમ્બર ૨૦૧૩માં નવી નાઈટ ટ્યૂબની યોજના જાહેર કરાયા પછી તેમાં ઘણાં વિઘ્નો આવતા રહ્યાં છે. ટિકિટ ઓફિસો બંધ કરવા, નોકરીઓમાં કાપ મૂકવા અને સ્ટાફને અન્ય કામગીરી સોંપવાની મેનેજમેન્ટની યોજના સામે ડ્રાઈવર્સ અને સ્ટેશન વર્કરોએ ઉનાળામાં ૨૪ કલાકની બે હડતાળ કરી હતી.