લંડનઃ ૩૦,૦૦૦થી વધુ બ્રિટિશ પુરુષો ટર્મિનલ પ્રોસ્ટેટ કેન્સર સાથે જિંદગી સામે લડી રહ્યા છે, પરંતુ તેમને પુરતો સપોર્ટ મળતો નથી. નિષ્ણાતોના કહેવા અનુસાર સાજા ન થવાય તેવા બ્રેસ્ટ કેન્સર અને આંતરડાના કેન્સરગ્રસ્ત દર્દીઓ કરતા પણ આ સંખ્યા વધુ છે.
ચેરિટી સંસ્થાઓની આગાહી મુજબ પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓની સંખ્યા વધતી જશે, જોકે આટલી સંખ્યા છતાં સરકારે તેને ગંભીર ગણી એજન્ડા પર લીધી નથી. સપોર્ટ સર્વિસીસ અને નિષ્ણાત સંભાળ લેનારાની સંખ્યા દર્દીઓની સરખામણીએ વધી નથી. સારવારમાં સફળતાના કારણે પ્રોસ્ટેટ કેન્સરના નિદાન પછી દર્દી સરેરાશ ચાર વર્ષ સુધી જીવે છે. જોકે, મોટા ભાગના દર્દીઓ ઓછામાં ઓછી એક ગંભીર બીમારી ધરાવે છે, જેના કારણે તેમના આખરી વર્ષોમાં જીવનની ગુણવત્તાને અસર થાય છે.