લંડનઃ સીરિયા અને ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવાન્ટ (Isil) સાથે લાંબો સમય યુદ્ધમાં વીતાવ્યા પછી ૩૦૦થી વધુ ખતરનાક જેહાદી યુકેમાં પરત ફર્યા છે, જે ધારણા કરતા વધુ છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા ખતરનાક ગણાવાયેલા આશરે ૭૦૦ ઈસ્લામિસ્ટે સંઘર્ષની શરૂઆત પછી સીરિયા અને ઈરાકની મુલાકાત લીધી છે.
આમાંથી ૩૨૦ જેહાદી પાછાં ફર્યા છે અને તેમને સત્તાવારપણે ધ્યાનમાં રાખવાલાયક લોકો તરીકે ગણાવાયાં છે. મુખ્યત્વે બ્રિટિશ મુસ્લિમો અને રાષ્ટ્રીય સલામતી માટે જોખમી નહિ ગણાવાયેલાં વધુ ૭૦૦ લોકોએ પણ આ વિસ્તારોની મુલાકાત લીધી છે. અગાઉ સરકારે અંદાજ બાંધ્યો હતો કે આશરે ૫૦૦ જેહાદીઓ Isil સાથે રહીને લડ્યા હતા અને તેમાંથી ૨૫૦ જેહાદી પરત ફર્યા છે.
પાછા ફરેલા જેહાદીઓમાંથી બે ડઝન જેટલા લોકોની યુકેમાં કાવતરાઓમાં સંડોવણી હતી. આ કાવતરા નિષ્ફળ બનાવાયા હતા. Isilની હિંસા અને જંગલિયાતથી આકર્ષાયેલા કટ્ટર ત્રાસવાદીઓની સંખ્યાથી સત્તાવાળા ચિંતિત છે. જોકે, તાજેતરના મહિનાઓમાં સીરિયા તરફ જવાનો પ્રવાહ ધીમો પડ્યો હોવાનું કહેવાય છે.