લંડનઃ ઈસ્લામિક સ્ટેટ સંગઠનનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે બ્રિટનના ૧૮ વર્ષથી ઓછી વયના ૩૧૨ બાળકો સહિત ૭૯૬ વ્યક્તિને ચેનલ કાઉન્ટર-ટેરર સ્કીમમાં રીફર કરાયાં છે. આ બાળકો કટ્ટરવાદનો શિકાર બને તેવી ભીતિ સેવાય છે. ધર્મઝનૂની જૂથો દ્વારા ભરતીનો સામનો કરવાની સરકારની યોજનામાં જૂનથી ઓગસ્ટના ત્રણ મહિનામાં જ જોખમ હેઠળની સંખ્યા બમણી થઈ છે.
સાત જુલાઈ બોમ્બહુમલાના સંદર્ભે હોમ ઓફિસ દ્વારા ધ ચેનલ કાઉન્ટર-ટેરર પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. એક સમયે દિવસમાં ૧૦ વ્યક્તિની વિગતો આ પ્રોજેક્ટને મોકલાતી હતી. લોકો ઉગ્રવાદ કે ત્રાસવાદ તરફ ખેંચાતા બંધ થાય તે માટે શાળાઓ અને કાઉન્સિલો સહિત જાહેર સંસ્થાઓ પર કાનૂની જવાબદારી લદાયા પછી રેફરલ્સ વધી ગયા છે. સરકારે ચેતવણી આપી છે કે યુવાનોને ઈસ્લામિક સ્ટેટ અને ISIL તરીકે પણ ઓળખાતા ISIS સંગઠન દ્વારા લલચાવાતાં અટકાવવાં પ્રયાસો વધારવા જોઈશે.
ચેનલ પ્રોજેક્ટને રીફર કરાતા દરેક કેસ કટ્ટરવાદિતાના જોખમ હેઠળ હોય તેમ નથી. પાંચમાંથી એક કેસને ચેનલ પ્રોગ્રામ્સના ટેકાની જરૂર હોવાનું જણાયું છે. એપ્રિલ ૨૦૧૨માં પ્રોજેક્ટના આરંભ પછી ૪૦૦૦થી વધુ રેફરલ્સ કરાયા છે.