ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બે સપ્તાહ પૂર્વે કાળા નાણાંને નાથવા તા. ૮ નવેમ્બરના રોજ ૫૦૦-૧૦૦૦ની ચલણી નોટોને રદ કરતા યુકેના કેટલાક નિવેદનીયા નેતાઅોએ પોતાની હાજરી પૂરાવવા "ટકો લો ને મને ગણો"ની નીતિ અનુસાર ભારતીય હાઇ કમિશન અને અન્ય સત્તાવાળાઅોને પોતાના ઇમેઇલ કે પત્ર દ્વારા ઘટતું કરવા અરજ કરી પોતાની ફરજ પૂરી કરી. પરંતુ આ અહેવાલ લખાય છે ત્યાં સુધી તા. ૨૨-૧૧-૧૬ની સાંજ સુધી યુકેમાં રહેતા મૂળ ભારતીયોના પ્રશ્નનું કોઇ જ નિરાકરણ આવ્યું નથી.
દેશ હિતનો આ પ્રશ્ન ખૂબજ અગત્યનો છે અને ભારતીય રીઝર્વ બેન્કના જણાવ્યા મુજબ ભારતમાં હાલમાં ૫૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટોના સ્વરૂપમાં કુલ ૨૨૦ બિલિયન યુએસ ડોલર જેટલી રકમ ફરતી હતી. જે પૈકી અત્યાર સુધીમાં ૮૦ બિલિયન યુએસ ડોલર જેટલી રકમ ભારતની બેન્કોમાં જમા થઇ ચૂકી છે. હજુ ઘણી મોટી રકમ લોકોના ગોડાઉનોમાં કાળા નાણાંના સ્વરૂપે જમા પડી છે. આ સમય દરમિયાન ભારતની બેન્કોએ ૧૫ બિલિયન યુએસ ડોલરના મૂલ્યની રકમ મોટી ચલણી નોટોના બદલામાં ભારતીયોને ચૂકવાઇ છે.
યુકે સહિત વિદેશમાં વસતા મૂળ ભારતીયો પાસે પણ જરૂર પડે કામ લાગે તે આશયે લવાયેલી ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો પડી છે. કોઇની પાસે ૫,૦૦૦ રૂપિયા તો કોઇની પાસે ૪૦-૫૦ હજાર ભારતીય રૂપિયા પડેલા છે. આ બધા લોકો હવે એ ચિંતા કરે છે કે આપણું શું થશે?
સમય મળે પોતે સમાજના નેતા છે તેમ પૂરવાર કરવા કેટલાક નિવેદનીયા નેતાઅોએ ભારતીય હાઇ કમિશન તેમજ અન્ય સરકારી વિભાગોમાં પત્ર કે ઇમેઇલ લખી નાંખ્યા કે ભાઇ તમે અહિં વસતા ગુજરાતીઅોનું કશુંક વિચારો. "ખીસ્સા ખાલી અને ભભકા ભારે" જેવા આવા નિવેદનીયા નેતાઅોની આ અકારણ કે સકારણ ફરિયાદ કોઇના કાને પડી નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આ અંગે રજૂઆત કરાય તો કાંઇક થાય એમ લાગે છે. બાકી હજુ સુધી કોઇ ભારતીય બેન્ક ૫૦૦-૧૦૦૦ની નોટ જમા લેતી હોય તેમ સાંભળ્યું નથી અને ક્યારે લેશે તે પણ જણાયું નથી.
પણ કહેવાય છે ને કે "કોનું પડે અને મને જડે" તેવી નીતિ રીતિ વાળા લોકોએ આ ઘટનામાં પણ પોતાનો ધંધો શોધી લીધો છે. આવા લોકો ૩૦થી ૪૫ ટકા જેટલી રકમ કાપીને યુકેના પાઉન્ડમાં કે ડોલરમાં વહીવટ કરી આપે છે. જે લોકો હતાશ છે તેઅો હાથમાં તે બાથમાં તેમ કહી પોતાના પરસેવાની કમાણી છોડી દે છે. બને તો આવા કટકીના સોદાગરોના શરણે જશો નહિં. મિત્રો, થોભો અને રાહ જુઅો, મોદીજી જરૂર આપણું વિચારશે અને તાકીદે નિર્ણય લેશે.