લંડનઃ પશ્ચિમી વિશ્વ અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરી શકે તેવા હેતુસર ન્યૂ યોર્કમાં ૧૧ સપ્ટેમ્બરના હુમલા ચાલાકીપૂર્વક ઉભા કરાયા હોવાનું ચોંકાવનારું નિવેદન લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને કર્યું છે. હુમલા માટે ઓસામા બિન લાદેન જવાબદાર હતો તેમ દર્શાવાયું હતું. આમ કહીને તેમણે જ્યોર્જ બુશ અને ટોની બ્લેર પર દોષનો ટોપલો ઢોળ્યો છે. જોકે, તેમની ટીપ્પણીથી પાર્ટીનું નેતૃત્વ સંભાળવા વિશે તેમની ક્ષમતા અંગે સવાલ ખડો થયો છે. નેતાપદે ચૂંટાયાના થોડાં દિવસ અગાઉ જ કોર્બીને લાદેનના મૃત્યુને ટ્રેજેડી ગણાવતા તેમની ભારે ટીકાઓ થઈ હતી.
કોર્બીન લેબર નેતા તરીકે પોતાની પ્રથમ કોન્ફરન્સની તૈયારી કરી રહ્યા છે ત્યારે જ આ વિવાદ ઉભો કર્યો છે. પક્ષના નેતાની ચૂંટણીમાં તેમના વિજયથી તિરાડ પડ્યા પછી તેઓ પક્ષને એકસંપ કરવાના પ્રયાસમાં બ્રાઈટન કોન્ફરન્સનો ઉપયોગ કરશે તેમ મનાય છે. જોકે, ઘણાં સાંસદો કોર્બીનના નેતાપદે પક્ષ શાસન પર આવી નહિ શકે તેવી જાહેરાતો આ કોન્ફરન્સમાં કરે તેવી પણ શક્યતા છે. પાર્ટીએ જણાવ્યું છે કે કોર્બીન કોન્ફરન્સમાં અર્થતંત્ર, વિદેશનીતિ અને સહભાગીદારીના રાજકારણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે, મતભેદો ઉભરી શકે છે તેવી કબૂલાત પણ પક્ષે કરી હતી.
કોર્બીને લખેલા અનેક આર્ટિકલ્સમાં ‘ન્યુ વર્લ્ડ ઓર્ડર’ ષડયંત્રનો ઉલ્લેખ કરાયો છે. તેમણે લખ્યું હતું કે,‘શક્તિશાળી અને ધનવાન, શ્વેત અને પાશ્ચાત્ય દેશો તેમના શસ્ત્રોની સહાયથી વર્તમાન આર્થિક વ્યવસ્થા જાળવી રાખશે. યુએસના યુદ્ધતંત્રનું ધ્યેય યુરોપ અને નોર્થ અમેરિકાની બેન્કો અને બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રભુત્વ હેઠળની વ્યવસ્થા જાળવી રાખવાનું છે.’