‘INS તરકશ’ની મુલાકાત લેવા ભારતીય ડાયસ્પોરાને આમંત્રણ

Wednesday 05th April 2017 07:16 EDT
 
 

લંડનઃ ભારતીય નૌકાદળના સૌથી શક્તિશાળી જહાજો પૈકીનું એક INS તરકશ આગામી ૭થી ૧૦ મે, ૨૦૧૭ સુધી લંડનની મુલાકાતે આવશે. ભારતીય હાઈ કમિશને ભારતીય નાગરિકો, તેમના મિત્રો અને પરિવારજનો સાથે રવિવાર તા.૭-૫-૧૭ના રોજ બપોરે ૧૨.૪૫થી સાંજના ૬ દરમિયાન જહાજની મુલાકાત લઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. (માન્ય ફોટો આઈડેન્ટિટી વિના પ્રવેશ અપાશે નહીં). INS તરકશ South Quay DLR સ્ટેશનની નજીકના અંતરે આવેલી કેનેરી જેટીમાં West India Dock (E14 9SG) પર લાંગરશે.

ભારતીય નૌકાદળમાં તલવાર શ્રેણીની અદ્યતન ફ્રિગેટ INS ‘તરકશ’નો સમાવેશ ૯ નવેમ્બર, ૨૦૧૨ના રોજ કરાયો હતો. નૌકાદળના ૩૨૦ કર્મચારી-અધિકારીઓ દ્વારા સંચાલિત આ ફ્રિગેટ ઉચ્ચ શ્રેણીના અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સરોથી સજ્જ છે. જહાજ સુપરસોનિક એન્ટિ-શીપ મિસાઈલ, જમીન પરથી હવામાં પ્રહારક્ષમ આધુનિક મિસાઈલ, મધ્યમ રેન્જની તોપ, ક્લોઝ ઈન વેપન સિસ્ટમ, એન્ટિ - સબમરીન અને એન્ટિ-શીપ ટોર્પીડો અને રોકેટ લોન્ચર્સ વગેરેથી સુસજ્જ છે. સ્ટિલ્થ ફિચર્સને લીધે તે રડાર પર દેખાતું નથી, ઈન્ફ્રારેડ અને મેગ્નેટિક સંકેતો પણ મળતા ન હોવાથી તેને શોધવું દુશ્મન માટે ખૂબ અઘરૂં થઈ પડે છે. ૩૦ નોટથી વધુ ગતિ સાથેનું INS તરકશ ચાર ગેસ ટર્બાઈન અને અતિ આધુનિક કન્ટ્રોલ્સથી સજ્જ છે. જહાજને કુલ ૩.૨ મેગાવોટ વીજ ઉત્પાદન ચાર ડીઝલ ઓલ્ટરનેટરથી વીજપુરવઠો મળી રહે છે.

તરકશ એટલે બાણોથી ભરેલું ભાથું. ધાર્મિક ગ્રંથ ‘રામાયણ’ અને ‘મહાભારત’માં જે યુદ્ધોનું વર્ણન આવે છે તેમાં શૂરવીર લડવૈયાઓ તેનો ઉપયોગ કરતા હતા. INS તરકશ અતિ શક્તિશાળી, યુદ્ધમાં નિપુણતા અને ભવ્યતાનું બેજોડ પ્રતીક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter