લંડન: લોર્ડ ડોલર પોપટના નિવાસસ્થાને યોજાયેલા એક ગેટ ટુ ગેધર સમારોહમાં પીએમ પદના ઉમેદવાર રિશિ સુનાક સહિત ટોરી પાર્ટીના સ્થાનિક સભ્યો અને કાઉન્સિલરો જોડાયાં હતાં. સુનાકને આવકારતાં લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, રિશિ સુનાક આપણી પાર્ટીના મહાન નેતા અને વડા પ્રધાન પૂરવાર થશે. સુનાકને સમર્થન આપવાનું મને ગૌરવ છે.
આ પ્રસંગે એશિયન અને ઇમિગ્રન્ટ્સના મૂલ્યો, પારિવારિક સંબંધોની શક્તિ અંગે વાત કરતાં સુનાકે જણાવ્યું હતું કે, બ્રિટને એક દેશ તરીકે બધાને શિક્ષણની ક્ષમતા, આકરી મહેનત અને તકો પૂરી પાડી છે. હું આખા દેશમાં પાર્ટીના સભ્યોને મળીને તેમની રજૂઆતો સાંભળી રહ્યો છું અને તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી રહ્યો છું. તમારામાંના ઘણાના કારણે હું આજે આ સ્થાને પહોંચ્યો છું. આ દેશે આપણા પરિવારો માટે અદ્દભૂત કાર્ય કર્યું છે. બ્રિટને હંમેશા ઇમિગ્રન્ટ્સને આવકાર્યા છે. મારી માતા સાઉધમ્પ્ટનમાં કેમિસ્ટની શોપ ચલાવતાં હતાં જ્યારે પિતા એનએચએસમાં જીપી હતા. મારો ઉછએર ચોક્કસ સંસ્કારો સાથે થયો છે. મારા માટે પરિવાર સર્વસ્વ છે અને કોઇ સરકાર આશા ન આપી શકે તેવું બંધન પરિવાર પુરું પાડે છે.
સુનાકે જણાવ્યું હતું કે, હું આકરા પરિશ્રમમાં માન્યતા સાથે ઉછર્યો છું કારણ કે આકરી મહેનત કરો તો જીવનમાં એવું કશું નથી જે તમે હાંસલ ન કરી શકો. મારો ઉછેર એવી માન્યતા સાથે થયો છે કે લોકોના જીવનમાં બદલાવ લાવવાની ક્ષમતા શિક્ષણમાં છે. તેના દ્વારા તમે સારા ભાવીનું નિર્માણ કરી શકો છો. મારો ઉછેર નાના વેપારધંધાની શક્તિની સમજણ સાથે થયો છે. મેં મારી માતાની શોપમાં કામ કર્યું છે. મેં ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે પણ કામ કર્યું છે. નાની કંપનીઓ અને અને વેપાર તેમના સમુદાયના લોકોને નોકરીઓ અને તકો પુરી પાડવામાં ઘણી સક્ષમ પૂરવાર થાય છે. આ મારામાં સિંચાયેલા મૂલ્યો છે. આ તમારામાં સિંચાયેલા સંસ્કાર પણ છે. પરંતુ સાથેસાથે કન્ઝર્વેટિવ મૂલ્યો પણ છે. તેથી જ હું વડા પ્રધાન બનવા માગુ છું કારણ કે આ દેશે મારા પરિવાર માટે કંઇક મહાન કર્યું છે. આ દેશે મારા સંતાનોને સારું જીવન આપવામાં મદદ કરી છે.
દેશ સામે રહેલા પડકારો અંગે બોલતાં સુનાકે જણાવ્યું હતું કે, મને જે તકો મળી છે તે હું તમામને આપવા માગુ છું. તે માટે આપણે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા, આપણા અર્થતંત્રનું પુનઃનિર્માણ કરવા અને પ્રામાણિક બનવાની જરૂર છે. તમારા વડા પ્રધાન તરીકે હું દેશ સામે રહેલા પડકારોમાં પ્રામાણિક રહીશ. નેતૃત્વનો પ્રારંભ પ્રામાણિકતાથી થાય છે. તમે આપેલા વચનોના પાલનથી વિશ્વાસ પુનઃસ્થાપિત થાય છે. દેશ સામે રહેલા પડકારોનો સામનો કરવા માટે તેના પર સરકારની પકડ હોવી જરૂરી છે. પછી તે એનએચએસનો બેકલોગ હોય કે ગેરકાયદેસર માઇગ્રેશન કે પછી વિદેશોમાંથી ઉદ્દભવતી ધમકીઓ હોય. છેલ્લા ઘણા વર્ષોથી ફક્ત વાતો જ ચાલી રહી છે પરંતુ હવે સરકારે કામ કરી બતાવવાની જરૂર છે અને હું તે કરી બતાવીશ.
સુનાકે જણાવ્યું હતું કે, આપણે અર્થતંત્રના પુનઃનિર્માણ પર ધ્યાન આપવાની જરૂર છે ત્યારે આપણી સામેનો સૌથી મોટો પડકાર ફુગાવો છે. તમને બરાબર યાદ હશે કે મોંઘવારી માઝા મૂકે છે ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે તેથી આપણે ઝડપથી ફુગાવા પર નિયંત્રણ પ્રાપ્ત કરવું પડશે. એકવાર આપણે ફુગાવાને નિયંત્રણમાં લાવી દઇશું તો કરવેરામાં વધુ ઘટાડો કરી શકીશું. હું કન્ઝર્વેટિવ છું અને ઇચ્છું છું કે લોકો વધુ કમાણી કરે. હું ઇચ્છું છું કે લોકો જે કમાય છે તેના મહત્તમ નાણા તેમની પાસે રહે. હું વેપાર ધંધાને સપોર્ટ કરવા માગું છું જેથી તેઓ વિકાસ માટે મૂડીરોકાણ કરી શકે. વિકાસ માટે બ્રેક્ઝિટ દ્વારા મળેલી કેટલીક તકોનો હું ઉપયોગ કરવા માગુ છું. પરંતુ હું અબજો પાઉન્ડનું દેવુ કરીને આપણા બાળકોનું ભાવી જોખમમાં મૂકવા માગતો નથી. આપણે દેવામાં ઉછરેલાં નથી., આ રીતે સમૃદ્ધ બની શકાય નહીં.
સુનાકને સમર્થન આપવામાં મને ગૌરવઃ લોર્ડ પોપટ
લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે, હેરોના સંખ્યાબંધ સમર્થકોની સાથે રિશિ સુનાકને મારા ઘેર આવકારવાનું સન્માન મને પ્રાપ્ત થયું છે. હું રિશિનો મોટો સમર્થક છું અને સમર્થન હાંસલ કરવામાં તેમની મદદ કરવામાં મને ખુશી છે. મને આનંદ છે કે ટોરી નેતૃત્વની રેસના અંતિમ બેમાં તેઓ પહોંચી શક્યા છે. ટોરી પાર્ટીના નેતા અને દેશના ભાવી વડાપ્રધાન તેઓ બને તે માટે તેમને સમર્થન આપવામાં હું ગૌરવ અનુભવું છું. હું રિશિને આવનારા સપ્તાહો માટે શુભેચ્છા પાઠવું છું.