લંડનઃ ૪૭ વર્ષ પહેલાં બ્રિટનમાં શરણાર્થી તરીકે આશ્રય પામેલા ૩૦ થી ૩૫ હજાર કચ્છી લેવા પટેલો લંડનમાં ૧૨ મિલિયન પાઉન્ડના મેગા ખર્ચે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ `ઇન્ડિયા ગાર્ડન'નું સર્જન કરશે. સંસ્થાના પ્રમુખે તાજેતરમાં યોજાયેલા જ્ઞાતિના વાર્ષિક અધિવેશનમાં સાત હજાર લોકોની ઉપસ્થિતિમાં આ અંગે જાહેરાત કરી હતી.કાર્યક્રમ દરમિયાન ગુજરાતી શાળાના ૪૦ વર્ષ, બિઝનેસ પ્રદર્શન, રંગોળી, બાળ ઓરકેસ્ટ્રા સહિતનું આયોજન કરાયું હતું. તેમાં ચોવીસીની તમામ સામાજિક સંસ્થાઓ ગામો, મંદિરો, જોડાયા હતા. બાળકોએ બ્રિટન-ભારતના રાષ્ટ્રગાન ગાયા હતા. બિઝનેસ પ્રદર્શનમાં ૮૦ સ્ટોલ રખાયા હતા. કિડઝ ઝોને ભારે આકર્ષણ જમાવ્યું હતું.
નોર્થોલ્ટ ખાતે નિર્માણ પામનારા આ વિવિધલક્ષી સંકુલની પ્રક્રિયા ઈલિંગ કાઉન્સિલમાં મંજૂરીના નિર્ણાયક તબક્કામાં છે. આ સંકુલ વિવિધલક્ષી પ્રવૃત્તિ માટે બે હોલ, બે ભોજન કક્ષ, બે સામૂહિક રસોડાં, આઠ બેડમિન્ટન કોર્ટ, બે ઇન્ડોર પીચ, બે ક્રિકેટ પીચ અને એક ફૂટબોલ પીચ, જિમ્નેશિયમ, અનેકવિધ રમત મેદાનથી સજ્જ હશે. કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.ના યુવા અધ્યક્ષ માવજીભાઇ ધનજી વેકરિયા કેન્ફોર્ડેએ સંકુલનું કાર્ય ૨૦૧૯માં શરૂ કરીને ૨૦૨૨માં પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે યુ.કે.માં સમાજ સ્થાપનાની સુવર્ણજયંતીની ઉજવણી નૂતન સંકુલમાં કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો અને સૌ સહયોગીઓનો આભાર માન્યો હતો.
પ્રારંભે ભુજ સ્વામિનારાયણ મંદિરના વકતા સંત શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજીએ આશીર્વાદ આપ્યા હતા. તેમની સાથે વરિષ્ઠ સંત ભકિતપ્રિયદાસજી સ્વામી અન્ય યુવા સંતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વવાસી સમાજના ધનશ્રેષ્ઠી વિશ્રામભાઇ જાદવા વરસાણી ‘વિજય'એ લંડનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિતિને પરિવર્તનની શરૂઆત ગણાવી શુભેચ્છા આપી હતી. સૂર્યકાંત વરસાણી, શિલ્પા ગાજપરિયા, ભારતી જેસાણીએ શબ્દ સંકલન કર્યું હતું. મોમ્બાસાથી હસમુખભાઇ ભુડિયા, નાઇરોબીથી કે. કે. પટેલ, આર. ડી. વરસાણી, ભુજથી હરિભાઇ હાલાઇ, ગોપાલ ગોરસિયાએ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
સવારના સત્રમાં માતૃભાષા ગુજરાતી શીખવતી સેટર ડે સ્કૂલને ૪૦ વર્ષ પૂર્ણ થતાં રંગારંગ ઉજવણી થઇ હતી. આખા મંડપને ગુજરાતી શબ્દદેહ અપાયો હતો.
બિઝનેસ પ્રદર્શનમાં વિવિધ સેવાઓ, ઉત્પાદનોનો સમાવેશ કરાયો હતો. સમગ્ર આયોજનમાં સ્થાનિક વિલ્સડન, કેન્ટનહેરો, કિંગ્સબરી, ઇસ્ટ લંડન, સ્ટેનમોર, વુલ્વીચ સ્વામિનારાયણ મંદિરો, ગુરુકુળ પરિવાર, અબજી બાપા છતરડી ટ્રસ્ટ યુ.કે., કાર્ડિફ-બોલ્ટન સમાજનો શ્રેષ્ઠ સહયોગ સાંપડ્યો હતો. ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે પણ આશીર્વચન પાઠવ્યા હતા. કિડઝ ઝોનમાં પ્રફુલ્લ પટેલ, બિઝનેસમાં હરીશ વાગડિયા, પાર્કિંગમાં દિલીપ હીરાણી, શિવલાલ વેકરિયા, રસોડામાં ધીરુ વેકરિયા અને વી.એમ. હીરાણી, મેલા કન્વીનર રવિ વરસાણી, ઉપપપ્રમુખ વેલજી વેકરિયા, યુવા આગેવાન વિનોદભાઇ જાદવજી ગાજપરિયા, વિનોદ હાલાઇ, ઉમેશ પટેલ, શાંતાબેન (માધાપર), દર્શના (ભારાસર), કારોબારી સભ્યો, ટ્રસ્ટીઓએ સહિયારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સ્થાનિક રાજકીય આગેવાનો પૈકી મેયર ઇલિંગ તેજીન્દરસિંઘ, કરિમા મરીકર (હેરો), અર્શદ મહેમૂદ, જ્હોન મોર્ગન, ફ્રિયોના, સાંસદ સ્ટીવન પાઉન્ડ, બેરિગાર્ડનર લેબર નેતા મહમ્મદ બટ, તારીક મહેમૂદ, કાઉન્સિલરો પૈકી નવીન શાહ, કૃપેશ હીરાણી, અજય મારૂ, કાંતિ રાબડિયા, ચેતના હાલાઇ, અંજના પટેલ, કૃપા શેઠ, ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલ, મેનેજર કિશોરભાઇ પરમાર, જયંતી સોલંકી, સ્કોટલેન્ડયાર્ડના રોહિતભાઈ અને ભીમજી વેકરિયા, કુંવરજીભાઇ કેરાઇ, સુરેશ રાબડિયા, ભીમજીભાઇ, શામજી વેકરિયા, લાલજી હાલાઇ, ભુજ સમાજના દેવશીભાઇ હાલાઇ, સેવાકીય આગેવાન અને વિલ્સડન મંદિરના ટ્રસ્ટી કે.કે. જેસાણી, જાદવજી મેઘજી ગાજપરિયા, મનજીભાઇ ગાંગજી હાલાઇ (બોલ્ટન), કાનજી કેરાઇ, વિશ્રામ માયાણી સહિતના વિવિધ સંસ્થાઓના આગેવાનો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નારાયણપર યુથવિંગના મહેશ હાલાઇ અને પ્રેમજી જાગાણી પણ જોડાયા હતા. માધાપરના જીતુભાઇ જાદવજી હાલાઇએ ભોજન પ્રસાદ માટે ૧૦,૦૦૦ પાઉન્ડ જાહેર કર્યા હતા. જ્ઞાતિજનોએ સહયોગ દાન લખાવ્યા હતા. ભોજન અને પાર્કિંગની સેવા નિ:શુલ્ક અપાઇ હતી.